સાયબર ઠગાઈ સામે પશ્ચિમ કચ્છ પોલીસની મોટી કાર્યવાહી: પીડિતોને લાખો રૂપિયા પરત
કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારમાં ઓનલાઈન નાણાકીય છેતરપીંડીના બનાવોમાં પોલીસ દ્વારા મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. માર્ચ 2026 દરમિયાન છેતરપીંડીનો ભોગ બનેલા આશરે 30 જેટલા અરજદારોને કુલ રૂપિયા 25,17,136 તેમના બેંક ખાતામાં પરત અ
Cyber 3


Cyber 2


Cyber 1


કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લાના ભુજ વિસ્તારમાં ઓનલાઈન નાણાકીય છેતરપીંડીના બનાવોમાં પોલીસ દ્વારા મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. માર્ચ 2026 દરમિયાન છેતરપીંડીનો ભોગ બનેલા આશરે 30 જેટલા અરજદારોને કુલ રૂપિયા 25,17,136 તેમના બેંક ખાતામાં પરત અપાવવામાં આવ્યા છે. આ કામગીરી સાયબર સેલ (એલ.સી.બી.) અને જિલ્લા પોલીસના સંયુક્ત પ્રયત્નોથી શક્ય બની છે.

અરજદારો દ્વારા સમયસર સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી તેમજ સાયબર સેલ ભુજમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા તાત્કાલિક પગલાં લઈને છેતરપીંડીમાં ગયેલી રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ફ્રીઝ કરાવવામાં આવી હતી. ત્યારબાદ અરજદારોને કોર્ટમાં અરજી કરવાની માર્ગદર્શન આપવામાં આવી અને કોર્ટના ઓર્ડર મેળવી કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ રકમ પરત અપાવવામાં આવી હતી. આ કામગીરીથી પોલીસ દ્વારા પ્રજાના હિતમાં કરાયેલ પ્રતિબદ્ધતા અને ઝડપી કામગીરીનો દાખલો પૂરો પાડવામાં આવ્યો છે.

આ સાથે પશ્ચિમ કચ્છ પોલીસે નાગરિકોને સાયબર ક્રાઈમથી બચવા માટે જાગૃત રહેવા અનુરોધ કર્યો છે. અજાણી લિંક, APK ફાઇલ અથવા મેસેજ દ્વારા મળતા શંકાસ્પદ કન્ટેન્ટ પર ક્લિક ન કરવા સૂચના આપવામાં આવી છે. મોબાઇલમાં સુરક્ષા માટે Google Play Protect ચાલુ રાખવા અને Kavach 2.0 જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. ઉપરાંત Google અથવા Facebook પરથી મળતા કસ્ટમર કેર નંબર પર વિશ્વાસ ન કરવા અને ટૂંકા સમયમાં લોન આપતી એપ્લિકેશનો ડાઉનલોડ ન કરવા સલાહ આપવામાં આવી છે.

તાજેતરમાં “ડિજિટલ અરેસ્ટ” નામે એક નવી છેતરપીંડી પદ્ધતિ પણ સામે આવી છે, જેમાં ઠગો પોતાને પોલીસ, ED, CBI, TRAI અથવા NCBના અધિકારી તરીકે ઓળખાવીને નાગરિકોને ફોન કે વીડિયો કોલ દ્વારા ડરાવે છે. તેઓ બનાવટી દસ્તાવેજો બતાવી વિશ્વાસ ઉભો કરે છે અને મની લોન્ડરિંગ જેવા કેસમાં ફસાવવાની ધમકી આપી નાગરિકોને પૈસા ટ્રાન્સફર કરવા પ્રેરિત કરે છે. પોલીસએ સ્પષ્ટ કર્યું છે કે સાચી કાયદા અમલવારી એજન્સીઓ ક્યારેય આવી રીતે ફોન કે વીડિયો કોલ દ્વારા અરેસ્ટની ધમકી આપતી નથી કે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા કહેતી નથી.

પોલીસે વધુમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ઓનલાઈન ફ્રોડનો ભોગ બને તો તરત જ 1930 હેલ્પલાઇન પર કોલ કરવો જોઈએ તેમજ નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરીને તમામ માહિતી આપવી જોઈએ. સમયસર કરવામાં આવેલી ફરિયાદ અને સતર્કતા દ્વારા આવા ગુનાઓને રોકી શકાય છે અને ગુમાવેલી રકમ પરત મેળવવાની શક્યતા વધે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande