
કચ્છ, 5 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સુરક્ષા દ્રષ્ટિએ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાસે આવેલ આ સંવેદનશીલ જિલ્લામાં આવેલા માનવ વસાહત રહિત 21 ટાપુઓ અને ખડક વિસ્તારો પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો જાહેરનામો બહાર પાડવામાં આવ્યો છે. આ પગલું રાષ્ટ્રીય સલામતી અને કાયદો-વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે લેવામાં આવ્યું છે.
માહિતી અનુસાર, કચ્છ જિલ્લાના અનેક દરિયાઈ ટાપુઓ એવા છે જ્યાં માનવ વસાહત નથી, પરંતુ કેટલાક સ્થળોએ ધાર્મિક સ્થળો હોવાને કારણે લોકો પ્રસંગોપાત ત્યાં જતા રહે છે. સુરક્ષા એજન્સીઓના અનુમાન મુજબ આવા નિર્જન વિસ્તારોનો દાણચોરી, નશાકારક પદાર્થોની હેરાફેરી અથવા રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થવાની શક્યતા રહેલી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ-ભુજના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષક દ્વારા પ્રતિબંધાત્મક પગલાં લેવા દરખાસ્ત કરવામાં આવી હતી. આના અનુસંધાને કચ્છ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 223 હેઠળ આદેશ જારી કર્યો છે.
આ જાહેરનામા મુજબ શેખરણ પીર, ઓગતરા, લુણાબેટ, ખદરાઈ પીર, સૈયદ સુલેમાન પીર, ચભડીયો, ગોધરાઈ, મોટાપીર, હેમતલ, હાજી ઈબ્રાહીમ, ગોપી બેટ, સતોરી બેટ, ભકલ બેટ, સાવલા પીર, સુગર બેટ, પીર સનાઈ સહિત કુલ 21 ટાપુઓ પર કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
તેમ છતાં, રાજ્ય અને કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ તેમજ સરકારી ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખાસ પરિસ્થિતિમાં છૂટછાટ આપવા માટે સંબંધિત પોલીસ અધિક્ષક અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અધિકાર સોંપવામાં આવ્યા છે.
આ જાહેરનામું 29 મે 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ વ્યક્તિ આ આદેશનો ભંગ કરશે તો તેના સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar