
નવસારી, 05 એપ્રિલ (હિ.સ.): નવસારી પોલીસને લાંબા સમયથી શોધમાં રહેલો છેતરપિંડીનો આરોપી આખરે હાથ લાગ્યો છે. જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ રૂરલ પોલીસ ટીમે મિલકત અને છેતરપિંડી સંબંધિત ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડવા વિશેષ અભિયાન શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી ઝડપી બનાવી.
પોલીસને મળેલી માહિતી મુજબ નડિયાદનો રહેવાસી સુરેશભાઈ વાલજીભાઈ ઈટાલીયા છેલ્લા ત્રણ વર્ષથી કાયદાથી બચતો હતો. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમે અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક બગોદરા પાસે આવેલા કલ્યાણગઢ વિસ્તારેથી તેને ઝડપી પાડ્યો હતો. આ ઓપરેશનમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, અને હાલમાં આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે