આદિપુરમાં વરલી મટકા જુગાર પર પોલીસનો પ્રહાર : મુન્દ્રા સર્કલ પાસેથી એક શખ્સ ઝડપી, રોકડ-મોબાઇલ સહીત મુદ્દામાલ કબ્જે
કચ્છ, 01 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહી પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશને વધુ એક સફળતા ત્યારે મળી જ
આદિપુર વરલી મટકા કેસનો આરોપી


કચ્છ, 01 મે (હિ.સ.) : પૂર્વ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર જુગાર અને પ્રોહી પ્રવૃત્તિઓને જડમૂળથી નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા સતત સઘન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશને વધુ એક સફળતા ત્યારે મળી જ્યારે આદિપુર પોલીસે વરલી મટકા જુગારના ગણનાપાત્ર કેસનો પર્દાફાશ કરી એક આરોપીને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પૂર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા જિલ્લાના તમામ પોલીસ મથકોને ગેરકાયદેસર જુગાર, સટ્ટા અને પ્રોહી સંબંધિત પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવા માટે સુચનાઓ આપવામાં આવી હતી. આ સુચનાઓના અનુસંધાને અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ તેમજ આદિપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એમ.સી. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસનો સ્ટાફ વિસ્તારમા સતત પેટ્રોલીંગ અને વોચ રાખી રહ્યો હતો.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આદિપુરના મુન્દ્રા સર્કલ નજીક જાહેર સ્થળે વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર દોડી જઈ છાપો માર્યો હતો. પોલીસે સ્થળ પરથી એક વ્યક્તિને જુગારની હેરફેર કરતા ઝડપી પાડી તેની પાસેથી જુગારના હિસાબ માટે ઉપયોગમાં લેવાતો ટેકનો કંપનીનો મોબાઇલ ફોન તેમજ રોકડ નાણાં મળી કુલ રૂપિયા ૨૦ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ તપાસમાં ઝડપાયેલ આરોપીની ઓળખ ગુરમુખદાસ વીરુમલદાસ સતવાણી (ઉંમર ૫૦), રહેવાસી વોર્ડ નં. ૪/એ, આદિપુર તરીકે થઈ છે. આરોપી સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નં. ૧૧૯૯૩૦૦૨૨૬૦૨૬૯/૨૦૨૬ હેઠળ ગુજરાત જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી ઘણા સમયથી વરલી મટકાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને તેના નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ તેજ બનાવવામાં આવી છે. શહેરમાં જાહેરમાં સટ્ટાબાજી અને જુગારના અડ્ડા ચાલતા હોવાની ફરીયાદોને ધ્યાનમાં રાખી આદિપુર પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ વધુ કડક ડ્રાઈવ હાથ ધરાશે તેવો સંકેત મળ્યો છે.

આ સમગ્ર સફળ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. શ્રી એમ.સી. વાળા, પો.સ.ઇ. શ્રી આર.એમ. ડુવા તથા સર્વેલન્સ સ્ટાફના જવાનો દ્વારા સુનિયોજિત બાતમીદારી અને ઝડપી એક્શનના કારણે સંભવ બની હોવાનું પોલીસ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. પોલીસની આ કાર્યવાહીથી ગેરકાયદેસર જુગારના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે અને કાયદાનો ભય ફરી એકવાર સ્પષ્ટ દેખાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande