વોંધ નજીક નાયરા પેટ્રોલ પંપ પાસે ભીષણ આગથી દોડધામ
કચ્છ, 01 મે (હિ.સ.) ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે બાવળની ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સૂકા ઝાંખરા અને પવનના કારણે આગ ઝડપથી ફેલાતી જતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો,
વોંધ નજીક લાગેલી આગ


વોંધ નજીક લાગેલી આગ


કચ્છ, 01 મે (હિ.સ.) ભચાઉ તાલુકાના વોંધ ગામ નજીક આવેલ નાયરા પેટ્રોલ પંપ પાસે બાવળની ઝાડી-ઝાંખરામાં અચાનક આગ ભભૂકી ઊઠતાં વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સૂકા ઝાંખરા અને પવનના કારણે આગ ઝડપથી ફેલાતી જતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, કારણ કે આગનું મથક પેટ્રોલ પંપની ખૂબ નજીક હતું અને જો સમયસર કાબૂમાં લેવામાં ન આવી હોત તો મોટી જાનહાનિ તેમજ વિસ્ફોટ જેવી ગંભીર ઘટના સર્જાઈ શકતી હતી.

મળતી માહિતી મુજબ વોંધ ગામ તરફથી ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને તાત્કાલિક કોલ કરવામાં આવ્યો હતો કે નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલા બાવળના ઝુંડમાં આગ લાગી છે અને જ્વાળાઓ ધીમે ધીમે પેટ્રોલ પંપ તરફ આગળ વધી રહી છે. ઘટનાની ગંભીરતા સમજી ભચાઉ ફાયર બ્રિગેડની ટીમ વિલંબ કર્યા વગર તુરંત સ્થળ પર પહોંચી હતી.

ફાયર ટીમે સ્થળ પર પહોંચતા જ સૌથી પહેલા આગની દિશા અને પવનની ગતિનો અંદાજ લઈ પેટ્રોલ પંપ તરફ વધતી જ્વાળાઓને રોકવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. એક બાજુ સૂકી બાવળની ઝાડીમાં આગ સતત સળગતી રહી હતી તો બીજી તરફ પેટ્રોલ પંપની સુરક્ષા જાળવવી એ સૌથી મોટો પડકાર હતો. ફાયર કર્મચારીઓએ સંકલિત રીતે સતત એક કલાક સુધી પાણીનો જોરદાર મારો ચલાવી આગને ઘેરી લીધી હતી.

ફાયર ટીમની સતર્કતા, ઝડપ અને જોખમ વચ્ચે કરેલી કામગીરીના કારણે અંતે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સમયસરની કાર્યવાહીથી પેટ્રોલ પંપ સુધી આગ પહોંચતા અટકાવવામાં સફળતા મળતાં એક મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

આ સમગ્ર બચાવ અને આગ બુઝાવવાની કામગીરીમાં ટીમના સંયમ અને સતત મહેનતના કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ કાબૂમાં આવી ગઈ હતી.

સ્થાનિક લોકોના કહેવા મુજબ ઉનાળાની ગરમી અને સૂકા ઝાડ-ઝાંખરાના કારણે આવા બનાવો બનવાની શક્યતા વધી રહી છે, ત્યારે પેટ્રોલ પંપ જેવા સંવેદનશીલ સ્થળો પાસે વધારાની સાવચેતી રાખવાની જરૂરિયાત ફરી એકવાર સામે આવી છે. ભચાઉ ફાયર ટીમની સમયસરની દોડધામે આ વખતે સંભવિત વિનાશને અટકાવી સૌને રાહતનો શ્વાસ અપાવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande