અબડાસાના ઘોરાડ અભયારણ્યમાં ઉગેલી આશા અચાનક ઓઝલ,: 20 દિવસમાં ઊડતું થયેલું દુર્લભ ઘોરાડ બચ્ચું ગુમ, વનતંત્ર ચિંતામાં
કચ્છ, 01 મે (હિ.સ.) કચ્છના અબડાસા વિસ્તારમાં આવેલ ઘોરાડ અભયારણ્યમાં થોડા જ અઠવાડિયા પહેલાં દુર્લભ ઘોરાડના સંવર્ધન માટે એક ઐતિહાસિક અને આશાજનક પ્રયોગ સફળ બન્યો હતો. રાજસ્થાનમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી લાવવામાં આવેલા ઇંડાંમાંથી ઘોરાડના બચ્ચાનો જન્મ
ઘોરાડ પક્ષીની બચ્ચા સાથેની તસવીર


કચ્છ, 01 મે (હિ.સ.) કચ્છના અબડાસા વિસ્તારમાં આવેલ ઘોરાડ અભયારણ્યમાં થોડા જ અઠવાડિયા પહેલાં દુર્લભ ઘોરાડના સંવર્ધન માટે એક ઐતિહાસિક અને આશાજનક પ્રયોગ સફળ બન્યો હતો. રાજસ્થાનમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિથી લાવવામાં આવેલા ઇંડાંમાંથી ઘોરાડના બચ્ચાનો જન્મ થતાં ગુજરાતના વનવિભાગ, વાઇલ્ડલાઇફ નિષ્ણાતો અને પક્ષીપ્રેમીઓમાં નવી આશા પ્રગટી હતી. પરંતુ આ આનંદ હવે ચિંતામાં ફેરવાયો છે, કારણ કે જન્મ બાદ ઝડપથી વિકાસ પામતું આ બચ્ચું છેલ્લા એક અઠવાડિયાથી નજરે પડતું નથી અને તેની શોધખોળ માટે વનતંત્ર સતત મથામણ કરી રહ્યું છે.

માહિતી મુજબ, જન્મના માત્ર વીસ દિવસમાં જ આ બચ્ચું આશરે દસ ફૂટ સુધી ઊડાન ભરવા લાગ્યું હતું, જે તેની સારા વિકાસનું સંકેત માનવામાં આવતું હતું. સતત મોનિટરિંગ હેઠળ રાખવામાં આવેલા આ બચ્ચાની ગતિવિધિઓ પર વનવિભાગ અને વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની ટીમ નજીકથી નજર રાખી રહી હતી. છતાં છેલ્લા ત્રણથી ચાર દિવસથી નહીં પરંતુ લગભગ આખા અઠવાડિયાથી બચ્ચું 26 ચોરસ કિલોમીટર જેટલા વિસ્તારમાં ક્યાંય જોવા મળ્યું નથી. પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કરે પણ બચ્ચું ગુમ હોવાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, શોધ કામગીરી અટકાવવામાં આવી નથી અને તમામ સંભવિત વિસ્તારોમાં ટીમો તૈનાત છે.

ઘોરાડ અભયારણ્યનો વિસ્તાર કુદરતી રીતે ખુલ્લા મેદાનો અને ઝાંખા વનસ્પતિવાળો છે, જ્યાં શિયાળ, લોમડી, જંગલી બિલાડી, મંગુસ, મોનિટર લિઝર્ડ તેમજ શિકારી પક્ષીઓનું સક્રિય નિવાસ છે. નિષ્ણાતો માને છે કે આટલા નાજુક તબક્કામાં ઘોરાડનું બચ્ચું આવા શિકારી પ્રાણીઓ માટે સરળ નિશાન બની શકે છે. ખાસ કરીને શરૂઆતના દિવસોમાં જ્યારે બચ્ચું સંપૂર્ણપણે લાંબી ઊડાન ભરવા સક્ષમ બનતું નથી ત્યારે તેનું જીવંત રહેવું કુદરતી જોખમોથી ઘેરાયેલું રહે છે.

દુર્લભ ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ એટલે કે ઘોરાડની પ્રજાતિ વિશ્વમાં અત્યંત સંકટગ્રસ્ત ગણાય છે અને ગુજરાતમાં તેની સંખ્યા અત્યંત મર્યાદિત છે. આવી સ્થિતિમાં રાજસ્થાનથી લાવવામાં આવેલા ઇંડાંને ગુજરાતની માદા ઘોરાડના માળામાં વૈજ્ઞાનિક રીતે સ્થાપિત કરવાની ‘જમ્પ સ્ટાર્ટ’ તકનીક અત્યંત મહત્વની માનવામાં આવી રહી હતી. આ પદ્ધતિનો મુખ્ય હેતુ એ હતો કે ઈંડાંને સુરક્ષિત રીતે બચાવી કુદરતી પરિસ્થિતિમાં બચ્ચાંનો ઉછેર થાય અને માતૃ સંભાળ સાથે તેનું જીવન ટકી રહેવાની સંભાવના વધે.

વન્યજીવન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઘોરાડ જમીન પર માળો બનાવતી પ્રજાતિ હોવાથી તેનો પ્રારંભિક જીવનચક્ર સૌથી જોખમી હોય છે. સામાન્ય રીતે મૂકાયેલા ઈંડાંમાંથી લગભગ 40 ટકા ઈંડાં જ સફળતાપૂર્વક બચ્ચામાં ફેરવાય છે, જ્યારે જન્મેલા બચ્ચાંમાંથી માત્ર 60 ટકા જેટલાં જ પ્રથમ બે મહિના સુધી જીવિત રહી શકે છે. આંકડાકીય રીતે જોવામાં આવે તો શરૂઆતના આ દિવસો ઘોરાડ માટે જીવલેણ સાબિત થાય છે. બે મહિના બાદ બચ્ચાં વધુ મજબૂત બને છે અને તેમનું બચી રહેવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધી જાય છે.

ગુજરાતમાં આ પ્રયોગ હાથ ધરનાર ટીમે ઈંડાંનું સુરક્ષિત પરિવહન, માળામાં તેની સ્થાપના, રિમોટ કેમેરા દ્વારા સતત દેખરેખ, પાણીની સુવિધા, આક્રમક વનસ્પતિ નિયંત્રણ તથા શિકારી પ્રાણીઓના હલનચલન પર નિયંત્રણ જેવી બહુસ્તરીય કામગીરી સફળતાપૂર્વક અમલમાં મૂકી હતી. છતાં કુદરતી પરિસ્થિતિમાં જન્મેલા બચ્ચાંને શિકાર અથવા અન્ય કુદરતી કારણોથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખવું અશક્ય હોવાનું નિષ્ણાતો સ્વીકારે છે.

આ બચ્ચું નજરમાંથી ઓઝલ થતાં એક તરફ વનતંત્ર માટે આ પ્રોજેક્ટ મોટો પડકાર બની ગયો છે તો બીજી તરફ ઘોરાડ સંવર્ધન અંગેના પ્રયાસો કેટલા કઠિન અને લાંબા ગાળાના છે તે ફરી એકવાર સ્પષ્ટ થયું છે. એક બચ્ચાના જન્મે જે આશાનું કિરણ દેખાયું હતું, તે અત્યારે અનિશ્ચિતતાના વાદળોમાં ઘેરાઈ ગયું છે. હવે તમામની નજર વનવિભાગની શોધખોળ પર છે—શું આ દુર્લભ બચ્ચું ફરીથી સુરક્ષિત હાલતમાં મળી આવશે કે કુદરતના કડવા ચક્રમાં તે સમાઈ ગયું છે, તેનો જવાબ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande