


પાટણ, 25 મે (હિ.સ.) : પાટણ જિલ્લા પંચાયતની આગામી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી સોમવારે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ભાજપના ભાવિક પટેલ પ્રમુખ અને રૈયાબેન આયર ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી જિલ્લા પંચાયત ભવનના સભાખંડમાં યોજાઈ હતી. ભાજપ તરફથી ભાવિક પટેલ અને રૈયાબેન આયરે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસ તરફથી ભરત પટેલ અને અકબર અલીએ દાવેદારી કરી હતી.
જિલ્લા પંચાયતના કુલ 32 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ભાજપના ઉમેદવારોને 19 મત મળતા બંને ઉમેદવારો સ્પષ્ટ બહુમતી સાથે વિજેતા બન્યા હતા. કોંગ્રેસના ઉમેદવારોને 13 મત મળ્યા હતા. ચૂંટણી દરમિયાન જિલ્લા પંચાયત પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પરિણામ જાહેર થતાં ભાજપના કાર્યકરો અને સમર્થકોએ વિજય ઉત્સવ મનાવ્યો હતો.
નવનિયુક્ત પ્રમુખ ભાવિક પટેલે પક્ષના નેતાઓ અને સભ્યોનો આભાર વ્યક્ત કરી જિલ્લાના બાકી રહેલા વિકાસકાર્યો પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. સાથે જ કારોબારી ચેરમેન તરીકે પ્રહલાદ ઠાકોર, પક્ષના નેતા તરીકે ચેતનાબેન પટેલ અને દંડક તરીકે દશરથ ભીલની વરણી કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ