
પાટણ(હિ.સ.) સમીમાં આર.સી.સી. રોડના કામ દરમિયાન કોંક્રીટ મિક્ષ્ચર મશીનની અડફેટે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં આઈશા હસનભાઈ સૈયદનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે તેમના પતિ હસનહારૂનભાઈ સૈયદને પગમાં ફ્રેક્ચર થયો છે અને ભાણી નુરબીબીને પણ ઈજા પહોંચી છે.
માહિતી મુજબ, ત્રણેય જણા ઘર પાસે ઊભેલા બંધ એક્ટિવા પર બેઠા હતા ત્યારે મશીનના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ ત્રણેને તરત જ પાટણની જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન આઈશાબેનનું મોત થયું હતું, જ્યારે અન્ય બંને ઘાયલોની સારવાર ચાલુ છે. આ મામલે સમી પોલીસ સ્ટેશનમાં મશીનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને આગળની તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ