

ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પશુ ચોરીના ગુનામાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જીવતા બોકડા, કાર અને મોબાઇલ ફોન સહિત કુલ 2,25,000 ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સાથે જ વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વણશોધાયેલા લૂંટના ગુનાનો પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, એલસીબી પોલીસ સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધિત ગુનાઓના શકમંદોની તપાસમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે ભુતેશ્વર રોડ પર પીપળીયા પુલ બસ સ્ટેન્ડ પાસે સફેદ કલરની હ્યુન્ડાઇ i-20 કાર માં ત્રણ શખ્સો બોકડા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા છે. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ત્રણેય આરોપીઓ મળી આવ્યા હતા. તેમની પાસે રહેલા બોકડા, કાર અને મોબાઇલ ફોન અંગે કોઈ દસ્તાવેજી પુરાવા કે સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઘોઘા વિસ્તાર નજીકના ગામના મંદિર પાસે રોડ પરથી બોકડો ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઉપરાંત, ત્રણ મહિના પહેલાં વલ્લભીપુર વિસ્તારમાં ઘેટાં ચોરી કરવાના ગુનામાં પણ સંડોવણી હોવાની માહિતી બહાર આવી હતી. આરોપીઓ ચોરાયેલા ઘેટાં કારમાં ભરી નળ સરોવર નજીકના ગામમાં પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે.
પકડાયેલા આરોપીઓમાં હાર્દિક ઉર્ફે રાહુલ અશોક તળપદા, રોહિત દિનેશભાઈ ઉર્ફે રમેશ તળપદા અને કલ્પેશ અરવિંદભાઈ તળપદાનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ નડિયાદ જિલ્લાના રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગામડાં અને શહેર વિસ્તારમાં કાર લઈને ફરી પશુઓને ખોરાકની લાલચ આપીને કારમાં ભરી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી અપનાવતા હતા. હાલ ફરાર આરોપીઓ વિક્રમ પ્રતાપ ઠાકોર અને સંજય સહિત અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA