
ભાવનગર,25 મે (હિ.સ.) ભાવનગર શહેરમાં ઉનાળાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દિવસે દિવસે વધી રહેલા તાપમાનની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. ખાસ કરીને ઝાડા-ઊલટી અને લૂ લાગવાના કેસોમાં વધારો નોંધાયો છે. શહેરના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ઉનાળા દરમિયાન અત્યાર સુધીમાં અંદાજે 2500 જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી 2483 જેટલા કેસ લૂ અને ગરમીજન્ય બીમારીઓ સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું છે. જોકે રાહતની વાત એ છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસોમાં અંદાજે 700 જેટલો નોંધપાત્ર ઘટાડો થયો છે.
ગરમીના કારણે શરીરમાં પાણીની ઉણપ ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 17 હજાર જેટલા ORSના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત જાહેર સ્થળોએ ORSયુક્ત પાણીના જગ પણ મૂકવામાં આવ્યા છે જેથી લોકોને તાત્કાલિક રાહત મળી રહે. પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા માટે પાણીના શુદ્ધીકરણ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ માટે શહેરમાં અંદાજે 27 હજાર જેટલી ક્લોરિન ગોળીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી આરોગ્ય વિભાગે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરી છે.
ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, ORS, છાશ, લીંબુ શરબત અને નાળિયેર પાણીનું સેવન કરવું જરૂરી છે. હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા અને બહાર નીકળતી વખતે માથું ઢાંકવું જોઈએ. બપોરે 12થી 4 દરમિયાન તડકામાં બહાર જવાનું ટાળવું અને ઠંડી જગ્યાએ રહેવું હિતાવહ છે. તાજું અને હળવું ખોરાક લેવો તેમજ ફળ-શાકભાજીનું પ્રમાણ વધારવું જોઈએ. ખૂબ ઠંડાં પીણાં, ચા-કોફી અને વાસી ખોરાકથી દૂર રહેવું જરૂરી છે. ખાલી પેટે બહાર ન નીકળવું અને બાળકો તથા વૃદ્ધોની ખાસ કાળજી રાખવી જોઈએ.
ડો. વિજય કાપડિયા, આરોગ્ય નિયંત્રણ અધિકારી ભાવનગરે જણાવ્યું કે ગત વર્ષે જોવા જઈએ તો ઉનાળાની ઋતુ દરમિયાન 3200 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે 2400 જેવા કેસો ઝાડા ઉલટી ના નોંધાયા છે. ગત વર્ષનીસરખામણીએ આ વર્ષે 700 જેટલા ઓછા કેસ નોંધાયા છે. આ રોગનો ફેલાવો ઓછો થાય તે માટે સર્વેલેન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે. પાણી શુદ્ધિકરણ માટે 27000 જેટલી ફ્લોરિન ટેબલેટ પાણી શુદ્ધિકરણ માટે આપવામાં આવી છે આ ઉપરાંત 17000 જેટલા ઓઆરએસ ના પેકેટો ની વહેચણી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA