ભચાઉ પોલીસનું મેગા કોમ્બીંગ ઓપરેશન : અસામાજિક તત્વોમાં ફફડાટ, અનેક કેસો સાથે વાહનો ડિટેઈન
કચ્છ, 25 મે (હિ.સ.) : કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ભચાઉ ડિવિઝન પોલીસે વિશાળ સ્તરે સરપ્રાઈઝ કોમ્બીંગ અને ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ પૂર્
ભચાઉ પોલીસ કોમ્બિંગ


ભચાઉ પોલીસ કોમ્બિંગ


ભચાઉ પોલીસ કોમ્બિંગ


કચ્છ, 25 મે (હિ.સ.) : કચ્છના ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે ભચાઉ ડિવિઝન પોલીસે વિશાળ સ્તરે સરપ્રાઈઝ કોમ્બીંગ અને ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાની દેખરેખમાં આ સમગ્ર કાર્યવાહી અમલમાં મુકાઈ હતી.

ભચાઉ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા સમયમાં અસામાજિક પ્રવૃત્તિઓ, પ્રોહીબીશન તેમજ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે પોલીસ તંત્ર સતત સક્રિય બન્યું છે. તે અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવી રાત્રી દરમિયાન તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને કુલ ૪૭ પોલીસ કર્મચારીઓ સહિત ૪૯ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

કોમ્બીંગ દરમિયાન અગાઉ પ્રોહીબીશન, ચોરી અને અન્ય ગુનાઓમાં ઝડપાયેલા શખ્સોની ફરી તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે જાણીતા જુગારીઓ, હિસ્ટ્રીશીટરો અને શંકાસ્પદ તત્વો પર ખાસ નજર રાખવામાં આવી હતી. પોલીસે શહેર અને હાઈવે વિસ્તારમાં વાહન ચેકિંગ અભિયાન પણ હાથ ધરતાં કુલ ૨૫૬ વાહનોની તપાસ કરી હતી. અનેક વાહનોમાં નિયમભંગ સામે આવતા એમ.વી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન પ્રોહીબીશનના કુલ નવ કેસ નોંધાયા હતા જ્યારે જી.પી. એક્ટ હેઠળ સાત કેસ કરવામાં આવ્યા હતા. દારૂના નશામાં વાહન ચલાવવાના બે કેસ નોંધાયા હતા. ટ્રાફિક નિયમોના ભંગ બદલ ૧૭ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. ઉપરાંત કાળા કાચ અને અન્ય નિયમભંગ બદલ કુલ ૩૪ નોન કૉગ્નિઝેબલ કેસ નોંધાયા હતા. સ્થળ દંડ તરીકે અંદાજે ૧૭ હજાર રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી.

પોલીસે કોમ્બીંગ દરમિયાન ૩૮ એમ.સી.આર. અને ચાર હિસ્ટ્રીશીટર ઇસમોની પણ તપાસ કરી હતી. ઉપરાંત પાંચ હોટલ-ધાબા, ત્રણ દંગા-પડાવ તેમજ વિવિધ અવાવરૂ અને સંવેદનશીલ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ ૪૨ શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી હતી.

આ સમગ્ર ઓપરેશનમાં ભચાઉ પોલીસ સ્ટેશન ઉપરાંત રાપર, સામખિયાળી, લાકડિયા, આડેસર અને ગાગોદર પોલીસ સ્ટેશનના સ્ટાફે પણ સહભાગી બની સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસના આ અચાનક કોમ્બીંગ અભિયાનથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande