
કચ્છ, 25 મે (હિ.સ.) ખાણોટ નજીક ડીઝલની કાળાબજારીનો પર્દાફાશ : એલસીબી પશ્ચિમ કચ્છે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે આધાર-પુરાવા વગર ડીઝલના જથ્થાની હેરફેર સામે પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સરહદી વિસ્તારોમાં વધી રહેલી શંકાસ્પદ પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. આ દરમિયાન નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે સફળ કાર્યવાહી કરી બે ઇસમોને ડીઝલના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા.
મળતી માહિતી મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા પેટ્રોલિંગ અને વોચ ગોઠવવામાં આવી હતી.
લખપત તાલુકાના વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એએસઆઈ વિકેશ રાઠવા, પોલીસ હેડ કોન્સ્ટેબલ લાખા રબારી, પોલીસ કોન્સ્ટેબલ વિરમ ગઢવી અને અનીલખટાણા ફરજ પર હતા. તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ખાણોટ ગામના સિકંદર રમધાન જત અને હનિફ અલિમામદ જત ગેરરીતે ડીઝલનો જથ્થો ભેગો કરી જી.એમ.ડી.સી. પાન્ધ્રોથી ખાણોટ તરફ લઈ જઈ રહ્યા છે.
બાતમીના આધારે પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી કાચા રસ્તા પર વોચ ગોઠવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતાં બે ઇસમોને અટકાવી તેમની પાસે રહેલા પ્લાસ્ટિકના બેરલની તપાસ કરવામાં આવી હતી. બેરલમાં અંદાજે ૬૦ લીટર ડીઝલ ભરેલું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ડીઝલ અંગે બિલ, પરવાનગી કે અન્ય આધાર પુરાવા માંગ્યા છતાં બંને ઇસમો કોઈપણ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા.
આથી પોલીસે શકાસ્પદ મિલ્કત તરીકે ડીઝલનો જથ્થો તથા ડીઝલના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી મોટરસાયકલ કબ્જે કરી હતી. કબ્જે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે રૂ.55,400 ગણાવવામાં આવી છે. બંને ઇસમોની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
પકડાયેલા આરોપીઓમાં ખાણોટ ગામના ૨૧ વર્ષીય સિકંદર રમધાન જત, જે ડ્રાઇવિંગ કામ કરે છે, તેમજ 18 વર્ષીય હનિફ અલિમામદ જત, જે મજૂરી કામ સાથે સંકળાયેલ છે, તેમનો સમાવેશ થાય છે. પોલીસ હવે ડીઝલનો જથ્થો ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar