તળાજાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી જતાં બે માસૂમ બાળકોના કરુણ મોત, એક બાળકીનો બચાવ
ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકોના સરતાનપર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું
ભાવનગર


ભાવનગર, 25 મે (હિ.સ.) ભાવનગર જિલ્લાના તળાજા તાલુકોના સરતાનપર ગામે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના બે માસૂમ બાળકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક બાળકીનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

મળતી માહિતી મુજબ, સરતાનપર ગામ નજીક આવેલા ‘ડાંડો’ વિસ્તારમાં હાલ ખાળીયા ખોદવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે ત્યાં મોટા ખાડાઓમાં દરિયાનું પાણી ભરાઈ ગયું હતું. એક જ પરિવારના ત્રણ બાળકો દરિયા કિનારે રમવા અને નહાવા માટે ગયા હતા. દરમિયાન ત્રણેય બાળકો પાણી ભરાયેલા ખાળીયામાં ઉતર્યા હતા. અચાનક જ પાણી ઊંડું હોવાથી બાળકો ગરકાવ થવા લાગ્યા અને બચાવ માટે બૂમાબૂમ મચાવી હતી.

બાળકોની ચીસો સાંભળી આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે ફરજ પરના તબીબે આયુષ રમેશ જાદવ અને શિવાન્યા રમેશ જાદવને મૃત જાહેર કર્યા હતા. બંને માસૂમોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

જ્યારે આ ઘટનામાં બચી ગયેલી 11 વર્ષની બાળકી રાજેશ્રી રમેશ જાદવને વધુ સારવાર માટે ‘સદવિચાર’ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

એક જ પરિવારના બે બાળકોના અકાળે મોતથી પરિવારજનોમાં ભારે શોક છવાઈ ગયો છે. માતા-પિતાના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે. સ્થાનિકોમાં પણ આ ઘટનાને લઈને દુઃખની લાગણી વ્યાપી છે.

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande