
જામનગર, 25 મે (હિ.સ.) : જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી બે ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી રૂ. 2.55 લાખના મુદ્દામાલ સાથે ત્રિપુટીને પકડી પાડી છે. જ્યારે તપાસમાં એક આરોપી હજુ પણ ફરાર હોવાનું સામે આવતા તેને પકડી પાડવા પોલીસે તપાસ આગળ વધારી છે.
શેઠવડાળા વિસ્તારમાં પવનચક્કીના ટાવરમાં લગાવેલા ટીસીમાંથી અર્નિંગ કોપર વાયર ચોરીની ફરિયાદ બાદ પોલીસ દ્વારા વિશેષ તપાસ હાથ ધરી એલસીબીના પીઆઈ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. ભાટીયા અને સ્ટાફે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે દરેડના મસીતીયા રોડ વિસ્તારમાં દરોડો પાડી ઉમર ઉર્ફે અબાડો દેથાના મકાનમાંથી આરોપી ઉમર ઉર્ફે અબાડો આલીભાઈ દેથા, અલ્તાફ ઉર્ફે કારો વલીમામદ બુઢાણી અને ઇલસાદભાઈ ઇસ્માઇલભાઈ ખફીને પકડી પાડ્યા હતા.
પોલીસે તેમની પાસેથી 266 કિલો કોપર વાયર તથા ઓગાળીને બનાવેલી કોપરની ઈંટો કિંમત રૂ. 1.99 લાખ, બે મોટરસાયકલ કિંમત રૂ. 50 હજાર, બે મોબાઈલ ફોન તથા સાધનો મળી કુલ રૂ. 2.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તપાસમાં ભરત હરસુખભાઈ ચૌહાણ નામના શખ્સની સંડોવણી સામે આવતા તેને ફરારી જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મુખ્ય આરોપી ઉમરભાઈ દેથા સામે અગાઉ શેઠવડાળા, જામજોધપુર, લાલપુર, ખંભાળિયા અને કલ્યાણપુર પોલીસ મથકોમાં ચોરીના 8 ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt