સ્ટેન્ડિગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સવારે 11 થી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે
અમદાવાદ, 25 મે (હિ.સ.) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય વિજય બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. મહાનગરપાલિકામાં મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે આજે ફોર્મ ભરવાની કાર્યવાહ
ahmedabad municipal corporation


અમદાવાદ, 25 મે (હિ.સ.) : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય વિજય બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકામાં પદાધિકારીઓની વરણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

મહાનગરપાલિકામાં મહત્વની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો માટે આજે ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાશે. ભાજપ દ્વારા 30 સભ્યોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. જે 30 સભ્યો ફોર્મ ભરશે તેમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 સભ્યો નક્કી કરવામાં આવશે.

રાજ્યની મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય પદાધિકારીઓની નિમણૂકની પ્રક્રિયા શરૂ થઈ છે.

અમદાવાદમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે આજે 25 મેના રોજ 30 કોર્પોરેટરો ફોર્મ ભરશે. ભાજપ દ્વારા જે કોર્પોરેટરોને ફોર્મ ભરવાના છે તે તમામ લોકોને ફોન કરીને ફોર્મ ભરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. પાલડી કોર્પોરેટર જૈનિક વકીલ, અમરાઈવાડીના રાકેશ સક્સેના, ગોતા વોર્ડના કેતન પટેલ, નિકોલ વોર્ડના પરેશ લાખાણી, બોડકદેવના દેવાંગદાણી સહિતના દરેક વિધાનસભામાંથી બે કોર્પોરેટરોના કુલ 30 કોર્પોરેટરોને ફોન જઈ ચુક્યા છે.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના દાવેદાર તરીકે પાલડીના જૈનિક વકીલ અને નિકોલ વોર્ડના પરેશ લાખાણી મુખ્ય દાવેદાર ગણવામાં આવે છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા મેળવી છે. નગરપાલિકા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતોમાં ભાજપે પ્રમુખ સહિતના પદાધિકારીઓની નિમણૂક કરી દીધી છે ત્યારે હવે આજે 25 મેના રોજ સવારે 11 વાગ્યાથી લઈ સાંજે 5:00 વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવશે. દરેક કોર્પોરેટરો તેમને સુચના આપી છે તેઓ આજે ફોર્મ ભરશે અને તેમાંથી જ એક સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવશે.

ભાજપ તરફથી રવિવારે સાંજ સુધીમાં 30 જેટલા કોર્પોરેટરોને ફોન કરી અને ફોર્મ ભરવા માટે જાણ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન સહિત બાર જેટલા સભ્યોની નિમણૂક કરવાની હોય છે.દરેક વિધાનસભામાંથી એક એક કોર્પોરેટર લેવામાં આવે છે. સ્ટેન્ડિંગના ચેરમેન તરીકે કોને જાહેર કરવામાં આવે છે તેની પહેલાથી જાણ ન થાય તેના માટે ભાજપ દ્વારા વધારે ફોર્મ ભરાવવામાં આવે છે. સામાન્ય સભા મળે તેની પહેલા જે પણ 12 સભ્યો હોય છે તેમના જ ફોર્મ માન્ય ગણવામાં આવે છે બાકીના ફોર્મ પરત ખેંચી લેવામાં આવે છે. આવતીકાલે આ તમામ કોર્પોરેટરો ફોર્મ ભરશે. મંગળવારે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સભ્યોની પણ જાહેરાત કરવામાં આવશે.

મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે 26મી મેએ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે તમામ પદાધિકારીઓની વરણી બિનહરીફ થવાની પૂરી શક્યતા છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 160 બેઠકો મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા ફરી આવી છે ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં નગરપતિ એવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે અંગે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ OBC પુરુષ માટે અનામત છે. અનુભવી અને સિનિયર રહી ચૂકેલા કોર્પોરેટરને મેયર બનાવવામાં આવતા હોય છે.

ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં મુખ્ય પાંચ પદાધિકારીઓ માટે અનેક અનુભવી અને સિનિયર લોકોથી લઈને પ્રથમ વખત ચૂંટણી લડેલા લોકો પણ દાવેદાર છે. માત્ર મેયર પદ રોટેશન પ્રમાણે OBC પુરુષ માટે અનામત હોવાથી મેયર તરીકે પુરુષને સ્થાન મળશે. મેયર પદ માટે થલતેજ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ મજબૂત દાવેદાર છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande