
જામનગર, 25 મે (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની ઢીલી નિતિના કારણે શહેરમાં ફરી ખડકાયેલા કચરાના ગંજમાં તા. 20મીની રાત્રે લાગેલી આગ તા. 24ની બપોર સુધીમા કાબુમાં આવી ચુકી હતી. કોર્પોરેશનના 25 જેટલા કર્મચારીઓએ આગ બુઝાવવા 85 ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવ્યો ત્યારે આગ કાબુમાં આવી હતી.
શહેરમાં તા.20મી મે ની રાત્રે ગુલાબનગર નજીક કચરાના ડમ્પીંગ પોઈન્ટ ઉપરના કચરામાં આગ લાગ્યા બાદ મ્યુ. તંત્રએ સતત પાંચ દિવસ આગ સાથે બાથ ભીડીને 85 ટેન્કર પાણીનો મારો ચલાવ્યા બાદ આગ માંડ કાબુમાં આવી છે.
આ કચરાનો ગંજ ખડકયો છે તે પાછળ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની એક કંપની સામેની ઢીલી નિતિની પણ ચર્ચા છે. શહેરમાં 2021ના નવેમ્બરથી 2025ના માર્ચ સુધી ખાનગી કંપનીએ રૂ.75 કરોડના ખર્ચે કચરો બાળીને વીજળી પેદા કરવાનો રાજ્યનો સર્વ પ્રથમ પ્લાન્ટ ચાલુ રાખતાં શહેરમાં ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટ ખાતે કચરો ઠાલવવાનું બંધ થયું હતું.
ઉપરાંત તંત્રએ ડમ્પીંગ સાઈટનો કચરો રૂ.6.60 કરોડના ખર્ચે પ્રોસેસ કરાવીને સ્થળને પુર્વવત મેદાન કરી નાંખેલું હતું. આવી સારી સ્થિતિ બાદ 2025માં ટેકનિકલ કારણો આપીને કચરાનો પ્લાન્ટ થોડા દિવસ બંધ રાખવા કંપનીએ મ્યુ. તંત્રને જાણ કર્યા પછી ક્રમશઃ કંપનીમાંથી સ્ટાફ છુટો થતો ગયો.
બીજી તરફ મ્યુ. તંત્રએ કંપનીને ત્રણ વખત શો-કોઝ નોટીસ આપીને પાંચ દિવસમાં પ્લાન્ટ ચાલુ કરી દેવા જણાવ્યું હતું. પરંતુ કંપની તરફથી જવાબ આવ્યો ન હતો. તેથી તંત્રએ કરારની શરત ભંગની કાર્યવાહી કરવા નોટીસ આપી હતી. જેમાં કંપનીનો ઈમલો જપ્તીમાં સુધીના પગલાની ચેતવણી મળી હતી. પરંતુ મ્યુ. તંત્રએ આટલું કર્યા પછી કોઈ કાર્યવાહી કરી નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt