


પોરબંદર, 25 મે (હિ.સ.) : ભારત સરકાર દ્વારા હાથ ધરાતી જનગણના–2027 દેશના સર્વાંગી વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટેની મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આ જનગણના અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ થયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયામાં દરેક નાગરિક સક્રિયપણે જોડાય તે માટે પોરબંદરના વતની તથા રાજ્ય સરકારના વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી અર્જુન મોઢવાડિયાએ નાગરિકોને સ્વ-ગણતરી કરવા અપીલ કરી હતી.
મંત્રીએ જણાવ્યું હતું કે, જનગણના માત્ર આંકડાકીય પ્રક્રિયા નહીં પરંતુ દેશના વિકાસ માટેની નીતિઓ ઘડવામાં મહત્વપૂર્ણ આધારરૂપ પ્રક્રિયા છે. શિક્ષણ, આરોગ્ય, આવાસ, રોજગાર, પાયાની સુવિધાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના અસરકારક આયોજન માટે સચોટ વસ્તી માહિતી અત્યંત જરૂરી બને છે.
મંત્રીએ જાતે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરીને નાગરિકોને પણ તેમાં ઉત્સાહપૂર્વક જોડાવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નાગરિકો તા.31 મે 2026 સુધી https://se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નાગરિકો સ્વ-ગણતરી પ્રક્રિયા જાતે પૂર્ણ કરે તેમજ પોતાના પરિવારના અન્ય સભ્યોને પણ સ્વ-ગણતરી કરવા પ્રેરિત કરે. ખાસ કરીને યુવાઓએ સ્વ-ગણતરી પ્રક્રિયામાં મદદરૂપ બની વધુમાં વધુ લોકો સુધી સ્વ-ગણતરી અભિયાન પહોંચાડવા અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya