

પાટણ, 26 મે (હિ.સ.) શંખેશ્વર તાલુકાના પંચાસર રોડ પર આવેલા રાજ પેટ્રોલિયમ પંપ પર ખેડૂતો અને પંપ સંચાલકો વચ્ચે ડીઝલ વિતરણ મુદ્દે ગંભીર વિવાદ સર્જાયો છે. ખેડૂતો ડીઝલની કૃત્રિમ અછત અને સંગ્રહખોરીના આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે પંપ માલિકે ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ઉનાળુ સિઝનમાં ખેતીકામ માટે ડીઝલની ભારે જરૂરિયાત હોવા છતાં તેમને લાંબી કતારોમાં ઊભા રહેવું પડે છે. ઘણીવાર ‘સ્ટોક નથી’ કહી પરત મોકલાતા હોવાના તેમજ ઓછું ડીઝલ આપાતું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. સાથે જ પંપ પર પાણી અને શૌચાલય જેવી સુવિધાઓના અભાવની ફરિયાદ પણ કરવામાં આવી છે.
વિવાદ વધતા શંખેશ્વર મામલતદાર નિલેશ પટેલે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તેમણે નિયમ મુજબ ડીઝલ વિતરણ કરવા સૂચના આપી અને દરેકને રૂ. 5,000 સુધીનું ડીઝલ આપવાનું નક્કી કરાયું હોવાનું જણાવ્યું.
પંપ સંચાલકોનો પક્ષ છે કે કેટલાક ખેડૂતો કેરબા લઈને આવતા હોવાથી નિયમો મુજબ તેમને ડીઝલ આપી શકાતું નથી. બીજી તરફ, પંપના પ્રોપરાઈટર યતીનકુમાર સંઘવીએ નરસંગ ગોહિલ અને તેમના પરિવાર સામે કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની લેખિત ફરિયાદ કરી છે.
સુરક્ષાના કારણોસર પંપ માલિકે ગોહિલ પરિવારના પંપ પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. મામલતદારે જણાવ્યું કે બંને પક્ષો સામસામે આક્ષેપો કરી રહ્યા છે અને સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ