
જૂનાગઢ, 27 મે (હિ.સ.) : રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજા અને ઉર્જા રાજ્ય મંત્રી તથા સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ આજે જિલ્લા આયોજન મંડળની બેઠક પૂર્ણ થયા બાદ વર્ચ્યુઅલી જિલ્લાની પ્રિ- મોન્સૂનની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાએ ડો. પ્રિ- મોન્સૂનની કામગીરીની સમીક્ષા કરતા આગામી ચોમાસામાં સંભવત પૂર, વાવાઝોડા વગેરે આપત્તિમાં લોકો અને તેમના જાન માલને નુકસાન ન થાય તે પ્રકારે પૂર્વ તૈયારીઓ રાખવા સૂચના આપી હતી. ઉપરાંત આપત્તિની સ્થિતિમાં લોકોના સ્થળાંતરની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. આ સાથે રાહત બચાવની કામગીરી અસરકારક રીતે થઈ શકે તે માટે મોકડ્રીલ યોજવા પણ સૂચન કર્યું હતું.
સહ પ્રભારી મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ ભારે વરસાદની સ્થિતિમાં પૂર નિયંત્રણ થઈ શકે તે માટે પાણીની આવક -જાવક પર જરૂરી આયોજન કરવા પર ભાર આપ્યો હતો. ઉપરાંત માર્ગોની બંને બાજુ નડતરરૂપ જાડી જાખરાઓ દૂર કરવા પણ સૂચના આપી હતી. પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સરકારી મકાનો સહિતની ઇમારતોની ચકાસણી પૂર્ણ કરવા માટે નિર્દેશ આપ્યા હતા.
જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ સમયાંતરે સમીક્ષા કરીને પ્રિ - મોન્સૂનની કામગીરીને વધુ અસરકારક બનાવવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
આ બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, સિંચાઈ વિભાગ દ્વારા પ્રિ - મોન્સૂનની પૂર્વ તૈયારીઓ અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
આ બેઠકમાં વર્ચ્યુઅલી મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર બી. એસ. બારડ, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ડી.જે. જાડેજા, કાર્યપાલક ઇજનેર કરમટા, સિંચાઈ વિભાગના ભાટુ સહિતના સંલગ્ન અધિકારીઓ ઉપરાંત તાલુકા નગરપાલિકા કક્ષાએથી વર્ચ્યુઅલી સંલગ્ન અધિકારીઓ પણ જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ