



પોરબંદર, 26 મે (હિ.સ.) અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર સમગ્ર વિશ્વના ઇંધણ બજાર પર જોવા મળી રહી હતી. વૈશ્વિક રાજકીય અસ્થિરતાના કારણે ક્રૂડ ઓઈલ અને LPG ગેસની સપ્લાય ચેઈનમાં વિક્ષેપ સર્જાતા ભારત સહિત અનેક દેશોમાં ઈંધણની અછતની સ્થિતિ ઊભી થઈ હતી. દેશના વિવિધ રાજ્યોમાં LPG સપ્લાય મર્યાદિત બનતા સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી
ગેસ એજન્સીઓમાં સ્ટોકની અછત સર્જાઈ હતી અને ગ્રાહકોને સમયસર સિલિન્ડર ન મળવાની ફરિયાદો પણ ઉઠી હતી. ત્યારે આ વચ્ચે હવે ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે પોરબંદર ની જેટી ખાતે C-MD 23 નામનું વિશાળ જહાજ 4000 મેટ્રિક ટન LPGના જથ્થા સાથે આવી પહોંચ્યું હતું. જહાજ બંદરે પહોંચતા જ બંદર સત્તાધીશો, સુરક્ષા એજન્સીઓ અને સંબંધિત વિભાગો દ્વારા કામગીરી ઝડપી બનાવવામાં આવી હતી. આ જહાજ મારફતે આવેલા LPGના જથ્થાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં ગેસની ખેંચતાણ જોવા મળી રહી હતી. અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે મધ્ય પૂર્વમાંથી થતી ઇંધણ સપ્લાય પર અસર થઈ હતી. ઈરાન વિશ્વના મોટા ગેસ અને તેલ ઉત્પાદક દેશોમાંનો એક હોવાથી તેની સપ્લાયમાં થયેલા વિક્ષેપની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી હતી.
ભારતમાં LPGનો વપરાશ ઘરેલુ ઉપરાંત વ્યાપારી ક્ષેત્રે પણ મોટા પ્રમાણમાં થાય છે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, નાના ઉદ્યોગો અને કેટરિંગ વ્યવસાય માટે LPG અનિવાર્ય બની ગયું છે. ત્યારે ગત કેટલાક દિવસોથી સપ્લાય મર્યાદિત થતાં અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરની રાહ જોવી પડી રહી હતી. ઘણા સ્થળોએ બુકિંગ બાદ પણ મોડું ડિલિવરી થતી હોવાની ફરિયાદો પણ સામે આવી હતી. જોકે હવે ઈરાન તરફથી સપ્લાય ફરી શરૂ થતા પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોરબંદર જેટી પર પહોંચેલા 4000 મેટ્રિક ટન LPGના જથ્થા બાદ આગામી દિવસોમાં વધુ જહાજો ગુજરાતના વિવિધ બંદરો પર પહોંચવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
રાજ્યમાં ગેસની અછત ન સર્જાય તે માટે સરકાર અને સંબંધિત તેલ કંપનીઓ દ્વારા પણ સપ્લાય ચેઈન મજબૂત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે . ત્યારે સ્થાનિક વેપારીઓમાં પણ આ સમાચારથી રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને હોટલ અને ફૂડ વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ LPG સપ્લાય શરૂ થવાનું સ્વાગત કર્યું છે. સામાન્ય નાગરિકોમાં પણ આશા જાગી છે કે હવે ઘરેલુ ગેસ સિલિન્ડરની અછત દૂર થશે અને પુરવઠો નિયમિત બનશે. પોરબંદર બંદર ફરી એકવાર ઇંધણ સપ્લાય માટે મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સામે આવ્યું છે. સમુદ્રી માર્ગે આવતા LPGના જથ્થા રાજ્યની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ સ્થિર રહેશે તો LPG સપ્લાય વધુ મજબૂત બનશે અને બજારમાં ઉભી થયેલી અનિશ્ચિતતા દૂર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya