
વલસાડ, 26 મે (હિ.સ.) નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામની વતની ભૂમિ હેમંતભાઈ પટેલે પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ડેડલિફ્ટ કેટેગરીમાં નવો નેશનલ રેકોર્ડ સ્થાપી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. આંધ્ર પ્રદેશના અમલાપુરમ ખાતે તા. ૧૫ મે થી ૨૦ મે ૨૦૨૬ દરમિયાન યોજાયેલી નેશનલ જુનિયર-સબ જુનિયર (પુરુષ-મહિલા) પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભૂમિએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.
ભૂમિ પટેલે સબ જુનિયર કેટેગરી U-43 (બોડી વેઇટ ૪૦ કિ.ગ્રા.)માં ૧૧૮ કિ.ગ્રા. વજન ઉઠાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો અને સાથે નવો નેશનલ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.તેણે પોતાની સફળતા પાછળની મહેનત અંગે જણાવ્યું કે, તે દરરોજ નિયમિત રીતે બે કલાક પાવર લિફ્ટિંગની પ્રેક્ટિસ કરતી હતી. ઉપરાંત સવારે ૫ થી ૭ વાગ્યા સુધી કાર્ડિયો ટ્રેનિંગ પણ કરતી હતી. ભૂમિએ પોતાની સિદ્ધિ માટે કોચ સુરજ શર્માના માર્ગદર્શન અને પરિવારના સતત સહકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભૂમિ પટેલની આ સિદ્ધિને લઈ સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને યુવાઓ માટે તે પ્રેરણારૂપ બની છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha