
પાટણ, 26 મે (હિ.સ.) પાટણ શહેરના TREG મોલમાં બિહારના વતની સ્ટોર મેનેજર ગોવિદકુમાર મહેન્દ્રકુમાર ઝા સાથે બે અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર રીતે ઓફિસમાં પ્રવેશ કરી ઉગ્ર બોલાચાલી અને ગાળો-ગલોચ કરી ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ પ્રાંતવાદના મુદ્દે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો.
મળતી માહિતી મુજબ વામૈયા ગામના જહુભા ઠાકોર સહિત એક અજાણ્યા શખ્સે મેનેજરને ટાર્ગેટ કરીને આક્ષેપો કર્યા હતા કે તેઓ ગુજરાતમાં આવીને સ્થાનિક લોકોને નોકરીમાંથી કાઢી મૂકે છે. વાતચીત દરમિયાન પરિસ્થિતિ ઉગ્ર બની હતી અને આરોપીઓએ તેમને પાટણ બજારમાં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ મામલે ગભરાયેલા મેનેજરે ઉચ્ચ અધિકારીઓને જાણ કર્યા બાદ પાટણ સીટી બી. ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) કલમ: 329(2), 296(b), 351(2) તથા 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. તથા પોલીસે CCTV ફૂટેજ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ