ચણવઈ ગામનો કરોડોનો ડેમ જર્જરિત, ગ્રામજનોએ ઉઠાવ્યા ભ્રષ્ટાચારના સવાલો
વલસાડ, 26 મે (હિ.સ.) વલસાડ તાલુકાના ચણવઈ ગામના વાડી ફળિયા વિસ્તારમાં નદી પર આશરે 7 વર્ષ પહેલાં રૂપિયા 1.08 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડેમ અને પ્રોટેક્શન વોલ હાલ સંપૂર્ણ જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક આદિવાસી આગેવાનો અને ગ્રા
ગામનો કરોડોનો ડેમ જર્જરિત


વલસાડ, 26 મે (હિ.સ.) વલસાડ તાલુકાના ચણવઈ ગામના વાડી ફળિયા વિસ્તારમાં નદી પર આશરે 7 વર્ષ પહેલાં રૂપિયા 1.08 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ડેમ અને પ્રોટેક્શન વોલ હાલ સંપૂર્ણ જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે. આ ગંભીર મુદ્દે સ્થાનિક આદિવાસી આગેવાનો અને ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2024થી દર વર્ષે ડેમની મરામત માટે બજેટ મંજૂર કરવામાં આવે છે, પરંતુ દર વખત ચોમાસા પહેલાં ઉતાવળમાં કામ શરૂ કરવામાં આવે છે અને તેમાં નીચી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થતો હોવાના કારણે પ્રથમ વરસાદમાં જ મરામત કામ ધોવાઈ જાય છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ વખત મરામત કામ કરાયા છતાં ડેમની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. જેના કારણે સરકારી નાણાંના દુરુપયોગની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વર્ષ 2025માં પણ ગ્રામજનોની રજૂઆત બાદ અધૂરા કામને ફરી મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વરસાદનું કારણ બતાવી કામ અધવચ્ચે જ બંધ કરી દેવામાં આવ્યું હતું. જૂના મરામત કામ ઉખડી જતાં હાલ ડેમનો સ્લેબ તૂટી ગયો છે અને અંદરના લોખંડના સરિયા બહાર દેખાઈ રહ્યા છે.

આ ઉપરાંત, મરામત કાર્ય માટે સાઇટ પર મૂકવામાં આવેલા લોખંડના સરિયાની રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા ચોરી થયાની માહિતી પણ સામે આવી છે, જેના કારણે કામ સંપૂર્ણ રીતે અટકી ગયું છે.

ગ્રામજનોએ માંગ કરી છે કે સંબંધિત અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ડેમ અને પ્રોટેક્શન વોલની સ્થિતિનું નિરીક્ષણ કરે તેમજ વારંવારની કામચલાઉ મરામતના બદલે મજબૂત અને ટકાઉ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવે. સાથે જ બાંધકામમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ગુણવત્તા સંબંધિત ફરિયાદોની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે કોઈ ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ કાનૂની લડત સાથે આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં ડેમની હાલત વિકાસ કાર્યોની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. હવે સમગ્ર વિસ્તારની નજર તંત્રની આગામી કાર્યવાહી પર ટકી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande