
પાટણ, 26 મે (હિ.સ.)પાટણ શહેરના લોટેશ્વર, કેદારેશ્વર સહિતના ઐતિહાસિક અને ધાર્મિક વિસ્તારોના રહીશોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી ‘અશાંત ધારો’ તાત્કાલિક લાગુ કરવાની માંગ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં વસ્તીના માળખામાં મોટા ફેરફાર થતા અસલામતીની ભાવના વધી રહી છે.
રહીશોના આક્ષેપ અનુસાર છેલ્લા 5થી 6 વર્ષમાં અંદાજે 125થી વધુ મિલકતો અન્ય સમુદાયના લોકોને વેચાઈ છે. લોટેશ્વર, કેદારેશ્વર મહોલ્લો, સોલરની પોળ, ચાચરીયા, કસુમ્બીયા પાડો અને ઝીણી પોળ જેવા વિસ્તારોમાં હિન્દુ પરિવારો સ્થળાંતર કરવા મજબૂર બનતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે લોટેશ્વર મહાદેવ, કેદારેશ્વર મહાદેવ, બહુચર માતાજી અને અન્ય ધાર્મિક સ્થળોની આસપાસ માંસની દુકાનો શરૂ થતા ધાર્મિક લાગણીઓ દુભાઈ રહી છે. સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને જોખમ ઉભું થતું હોવાનો પણ આક્ષેપ કરાયો છે.
રહીશોની માંગ છે કે અશાંત ધારો અમલમાં મૂકીને મિલકત ખરીદ-વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત બનાવવામાં આવે તેમજ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે. આ અંગે આવેદનની નકલ ગૃહમંત્રી, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા ભાજપ પ્રમુખને પણ મોકલવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ