
જામનગર, 26 મે (હિ.સ.) જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે મંગળવારે રાજકોટ રોડ પર ઇસ્કોન મંદિર નજીક આવેલી સર્વે નંબર 382 વાળી જમીન પર મોટા પાયે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદે કબજાઓ અને બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ મહાનગરપાલિકાની મિલકત ગણાતી અંદાજે એક લાખ વીસ હજાર ચોરસ ફૂટ જેટલી કિંમતી જમીન પર વર્ષોથી ગેરકાયદે બાંધકામો ઉભા કરવામાં આવ્યા હતા. આ જમીનની બજાર કિંમત અંદાજે પચાસ કરોડ રૂપિયા જેટલી હોવાનું જાણવા મળે છે.આજે મહાનગરપાલિકાના દબાણ હટાવ શાખા દ્વારા સ્થળ પર પહોંચી દસ જેટલા ગેરકાયદે બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગેરેજ, વંડા,લાકડાના શેડ તેમજ અન્ય અસ્થાયી બાંધકામોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળે છે.ડિમોલેશન દરમિયાન 6 જેસીબી મશીનો અને 4 ટ્રેકટરની મદદથી બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયર શાખા, લાઈટ શાખા, સ્લ્મ શાખા વગેરેના 50થી વધુ કર્મચારીઓનો કાફલો જોડાયો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની સરકારી જમીનો પરના ગેરકાયદે કબજાઓ દૂર કરવાની કાર્યવાહી આગામી દિવસોમાં પણ યથાવત રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt