
જુનાગઢ, 26 મે (હિ.સ.) વર્ષા વિજ્ઞાન મંડળ, જૂનાગઢ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુકત ઉપક્રમે આજ રોજ ૩૨મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ-૨૦૨૬ યોજાયો હતો. આ પરિસંવાદનું ઉદ્દઘાટન કરતાં અધ્યક્ષશ્રી જેરામભાઈ ટીંબડીયા એ જણાવ્યુ હતું કે, ખેતીમાં વરસાદની આગાહીનું ઘણું મહત્વ છે. આવી આગાહીને લીધે ખેડૂતો પોતાના પાકની પસંદગી તથા પિયત વ્યવસ્થાનું આયોજન કરી શકે છે. ઘણા આગાહીકારો પોતાની કોઠાસુઝને લક્ષમાં રાખી વરસાદની આગાહી કરતા હોય છે. તેમના જ્ઞાનને સાચવી રાખવાની જરૂર છે. તે માટે છેલ્લા ૩૧ વર્ષથી કાર્યરત આ મંડળમાં નોંધાયેલ અવલોકનો અને તેના તારણોને પુસ્તકના રૂપમાં પ્રસિધ્ધ કરવા જરૂરી છે. તેમણે આવા સુંદર અને ઉપયોગી સેમીનારનું આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ પરિસંવાદમાં જુદા જુદા વિસ્તારમાંથી આગાહીકારો તેમજ રસ ધરાવતાં ખડૂતોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ૫૦ જેટલા આગાહીકારોએ તેમની આગાહીઓ રજૂ કરી હતી. આ પરિસંવાદમાં નીચે મુજબ તારણો મળેલ છે. જે મુજબ ૧૨ આની વરસ થાય તેવી આગાહી કરવામાં આવી,ચોમાસાની શરૂઆત જૂન માસનાં બીજા અથવા ત્રીજા અઠવાડીયામાં થાય તેવુ અનુમાન છે. જૂલાઇના મધ્યમાં અને ઓગષ્ટનાં શરૂઆતમાં અતિવૃષ્ટી થવાની શકયતા છે. ઓકટોબરનાં પ્રથમ પખવાડીયામાં ચોમાસુ વિદાય લે તેવી શકયતા છે. એકંદરે વર્ષ સારું રહેશે.
આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક,ડૉ. એન. બી. જાદવ, અને પ્રમુખ, વર્ષા વિજ્ઞાન મંડળે જણાવ્યું કે, દર વર્ષે ચોમાસા પહેલા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. જેમાં આગાહીકારો પોત પોતાના અવલોકનો અને પૂર્વાનુમાન અંગે એકબીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા ભવિષ્યમાં પોતાના પૂર્વાનુમાનમાં વધુ સચોટ રીતે કરવાની ક્ષમતા કેળવાય તે હેતુથી આ પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે અને બધાના પૂર્વાનુમાનોના નિચોડ રૂપે આગામી ચોમાસાનું તારણ કાઢવામાં આવે છે. આ આગાહીઓથી ખેડૂતોને પાક આયોજનમાં ઉપયોગી થાય એવી આશા વ્યક્ત કરી હતી. ડૉ.પી.આર. કાનાણી અને ડૉ. જે. ડી.ગુંદાળીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. વધુમાં તેઓએ ભડલી વાકયો, ખગોળ વિજ્ઞાન, જયોતિષશાસ્ત્ર, કસ બંધારણ, હવામાનના પરીબળો, વનસ્પતિમાં થતા ફેરફારો તેમજ પશુ-પક્ષીની ચેષ્ટા વગેરેનો આધાર લઇ પૂર્વાનુમાન માટે મહેનત કરવા બદલ સર્વે આગાહીકારોને બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં ડૉ.એચ.એમ. ગાજીપરા, મોહનભાઈ દલસાણીયા અને ડૉ. જી. આર.ગોહિલ પણ ઉપસ્થિત રહયા હતા.
કાર્યક્રમના પ્રારંભે સહ વિસ્તરણ શિક્ષણ નિયામક અને વર્ષા વિજ્ઞાન મંડળના મંત્રી ડો. એચ.સી. છોડવડીયાએ સ્વાગત પ્રવચન કર્યુ હતુ.જયારે ડો. એમ.વી.પોકાર, મદદનીશ પ્રાધ્યાપકશ્રીએ આભાર દર્શન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરીએ જહેમત ઉઠાવી હતી.એમ વર્ષા વિજ્ઞાન મંડળ અને વિસ્તરણ શિક્ષણ નિયામક,જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ