
જુનાગઢ 26 મે (હિ.સ.) સરકારી પોલિટેકનીક, જૂનાગઢ ખાતે ડિપ્લોમા એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ અંગે જાગૃતિ લાવવા અને વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી “એડમીશન અવેરનેસ સેમિનાર” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ડિપ્લોમા એન્જિનિયરિંગ ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો, પ્રવેશ પ્રક્રિયા તેમજ ભવિષ્યમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં ખાસ કરીને ACPDC, અમદાવાદ અંતર્ગત ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા, રજિસ્ટ્રેશન, પસંદગીના વિકલ્પો, ITI/TEB બાદના અભ્યાસક્રમો, તેમજ C to D કોર્સમાં પ્રવેશ અંગે સરળ અને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને પોતાની રસ, આવડત અને ક્ષમતાને અનુરૂપ બ્રાન્ચ પસંદ કરવાની સમજણ આપી હતી. સાથે જ ટેક્નિકલ શિક્ષણ દ્વારા રોજગારી, ઉચ્ચ અભ્યાસ અને આત્મનિર્ભર કારકિર્દીના અનેક દ્વાર ખુલતા હોવાની માહિતી પણ આપવામાં આવી હતી.
ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને વાલીઓએ સેમિનારને ઉપયોગી અને માહિતીસભર ગણાવ્યો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્યને યોગ્ય દિશા આપવા માટે આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના આચાર્ય, એડમિશન ટીમ તથા સિવિલ વિભાગે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ