
કચ્છ, 26 મે (હિ.સ.): ટપ્પર અપહરણ કેસનો ભેદ ઉકેલાયો : દુધઈ પોલીસની ત્વરિત કાર્યવાહીથી છ આરોપીઓ ઝડપાયા છે. પૂર્વ કચ્છના ટપ્પર ગામ ખાતે બનેલા અપહરણના ગંભીર બનાવમાં દુધઈ પોલીસે ગણતરીના દિવસોમાં જ સફળતા મેળવી છ આરોપીઓને ઝડપી પાડતાં સમગ્ર વિસ્તારમાં પોલીસની કામગીરીને વખાણ મળી રહ્યા છે. અપહરણ જેવા ગંભીર ગુનાને ઝડપથી ઉકેલી આરોપીઓને કાયદાના ચંગુલમાં લાવવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને માનવ સૂત્રોની મદદથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
માહિતી અનુસાર, જિલ્લામાં શરીર સંબંધિત તેમજ ગંભીર પ્રકારના ગુનાઓને અટકાવવા અને ઝડપથી ઉકેલવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ દુધઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયા અને તેમની ટીમે કામગીરી શરૂ કરી હતી.
તા. 17 મે 2026ના રોજ જાહેર થયેલા અપહરણના બનાવ અંગે દુધઈ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અલગ-અલગ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી હતી.
પોલીસે ભચાઉ તાલુકાના જુની મોટી ચીરઈ ગામના છ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ ગુનાને અંજામ આપવા માટે કાર, મોટરસાયકલ તેમજ હથિયારનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે ગુનામાં વપરાયેલ ઈકો કાર, બ્લુ કલરની મોટરસાયકલ અને લાકડાના હાથાવાળું ધારીયું કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દુધઈ પોલીસની ઝડપી અને સુચિત કામગીરીને કારણે ગંભીર ગુનાનો ટૂંકા સમયમાં ભેદ ઉકેલાતા સ્થાનિકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે. સમગ્ર ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ડોડીયા તથા દુધઈ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar