

પોરબંદર, 26 મે (હિ.સ.) પોરબંદરથી 100 કિલોમીટરની મુન લાઇટ સાઈકલ રાઇડનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરના સાહસિક યુવાનો અને ફિટનેસ પ્રેમીઓ માટે આગામી 30 મે 2026, શનિવારની રાત્રિ યાદગાર બની રહે તેવી એક ભવ્ય 100 કિમી સાયકલિંગ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સાયકલિંગ ક્લબ દ્વારા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વિશેષ સાયકલ સવારીમાં ખેલાડીઓ પૂનમના ચાંદનીપ્રકાશ વચ્ચે પ્રકૃતિના સાનિધ્યમાં સાયકલિંગનો અનોખો રોમાંચ માણશે.
આ ભવ્ય રાઈડના ફ્લેગ ઓફ કાર્યક્રમ માટે ભારતના કેન્દ્રીય રમતગમત મંત્રી તથા પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા તેમજ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાને વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું છે.આયોજકોના જણાવ્યા મુજબ મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાઈડરોનો ઉત્સાહ વધારશે.
કાર્યક્રમની રૂપરેખા મુજબ 30 મે, શનિવારે સાંજે 4:30 કલાકે ચોપાટી કનકાઈ મંદિર ગ્રાઉન્ડ, પોરબંદર ખાતે રિપોર્ટિંગ અને ચેક-ઈનની પ્રક્રિયા શરૂ થશે, જ્યારે સાંજે 5:00કલાકે રાઈડનો ફ્લેગ ઓફ કરવામાં આવશે. કુલ 100 કિમી લાંબી આ રાઈડનો પ્રારંભ પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડથી થશે અને રાઈડર્સ રાણાવાવ, બિલેશ્વર, હનુમાનગઢ, કપુરી નેસ, ઢેબર રોડ, નાગકા-બખરલા સહિતના માર્ગો પરથી પસાર થઈ અંતે ફરી પોરબંદર ખાતે પહોંચશે.
રાઈડર્સની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સમગ્ર 100 કિમીના રૂટ પર દર 25 કિલોમીટરે રિફ્રેશમેન્ટ પોઇન્ટ રાખવામાં આવ્યા છે, જ્યાં અલ્પાહારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત પૂરતું પીવાનું પાણી અને એનર્જી ડ્રિંકસ સાથે હાઈડ્રેશન સપોર્ટ આપવામાં આવશે. કોઈપણ કટોકટીની સ્થિતિ માટે મેડિકલ આસિસ્ટન્ટ તથા તબીબી સહાય ઉપલબ્ધ રહેશે. સાયકલમાં ટેકનિકલ સમસ્યા સર્જાય તો સાયકલ મિકેનિક સપોર્ટ તેમજ બેકઅપ વ્હીકલની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ આયોજન દ્વારા યુવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવશે. આયોજકોએ વધુમાં વધુ સાહસિક યુવાનો અને ફિટનેસ પ્રેમીઓને આ ભવ્ય સાયકલિંગ રાઈડમાં જોડાવવા અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya