

પાટણ, 26 મે (હિ.સ.)પાટણના ઐતિહાસિક આનંદ સરોવરમાં ગંદા પાણીના નિકાલ મુદ્દે નગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. પાલિકાની ટીમે સ્થળ તપાસ કરી સરોવરમાં ગંદકી ફેલાવતા સ્ત્રોતોની ઓળખ શરૂ કરી છે અને જવાબદારોને નોટિસ પાઠવવામાં આવી છે.
કારોબારી ચેરમેન નીલમ પટેલએ ટીમ સાથે સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે ડીએસપી ઓફિસ, હાઈવે વિસ્તાર અને બળિયા હનુમાન તરફથી ગંદા પાણીનો પ્રવાહ સરોવરમાં જઈ રહ્યો હતો. ત્યારબાદ ટેકનિકલ ટીમ દ્વારા કાયમી નિકાલ માટે કામગીરી હાથ ધરાઈ છે.
ચેરમેન નીલમ પટેલે જણાવ્યું કે આગામી બે દિવસમાં સરોવરમાં આવતું ગંદુ પાણી સંપૂર્ણપણે બંધ કરવા પ્રયાસ ચાલી રહ્યા છે. સરોવરની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સતત મોનિટરિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ