
પોરબંદર, 26 મે (હિ.સ.) પોરબંદર-જામનગર જિલ્લાની સરહદે આવેલ અને જૈવિક વિવિધતાથી સમૃદ્ધ એવા બરડા ડુંગર વિસ્તારમાં “ટ્રી કટીંગ” અને “જંગલ સફાઈ”ના નામે વર્ષો જૂના ગોરડ વૃક્ષોના મોટા પાયે નિકંદન કરાયા હોવાના આક્ષેપો સામે આવતા પર્યાવરણપ્રેમીઓ અને જાગૃત નાગરિક પ્રતાપ ખિસ્તરીયાએ રાજયના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનમોઢવાડીયાને પત્ર લખી અને રજુઆત કરી છે
જાગૃત નાગરિક પ્રતાપ ખીસ્તરીયાએ અને પર્યાવરણપ્રેમીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે આશરે 8 મહિના પહેલા બરડા ડુંગર વિસ્તારમાં 500 વીઘાથી વધુ જમીનમાં સેંકડો વર્ષ જૂના ગોરડ (Acacia Senegal) વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે. આ વૃક્ષો સ્થાનિક પર્યાવરણ, ભૂગર્ભ જળ સંરક્ષણ અને વન્યજીવો માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવાયું છે.
રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ગોરડ વૃક્ષો જમીન ધોવાણ અટકાવવામાં, વરસાદી પાણીના સંચયમાં તેમજ પશુઓ અને પક્ષીઓ માટે કુદરતી આશ્રયરૂપ સાબિત થાય છે.
આવા સ્થાનિક અને કિંમતી વૃક્ષોના આડેધડ નિકંદનથી સમગ્ર ઈકોસિસ્ટમને ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન પહોંચ્યું હોવાનું જણાવાયું છે.પર્યાવરણપ્રેમીઓએ આ સમગ્ર પ્રક્રિયામાં કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ગ્રામસભાની મંજૂરી, પર્યાવરણીય અસર મૂલ્યાંકન (EIA) સહિતની જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં તેની પારદર્શક માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત “ટ્રી કટીંગ”ના નામે કિંમતી લાકડાની હેરાફેરી અને ભ્રષ્ટાચાર થયો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનોને વિશ્વાસમાં લીધા વગર કાર્યવાહી કરાતા તેમના રોજગાર અને પશુધન પર પણ સીધી અસર પડી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
જાગૃત નાગરિકોએ સરકાર સમક્ષ ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસ સમિતિ નીમવાની, જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તેમજ કપાયેલા વિસ્તારમાં સ્થાનિક પ્રજાતિના વૃક્ષોનું તાત્કાલિક પુનઃવાવેતર કરવાની માંગ ઉઠાવી છે.સાથે જ ભવિષ્યમાં બરડા ડુંગર વિસ્તારમાં કોઈપણ પ્રકારની વૃક્ષ છેદનની કામગીરી કરતા પહેલા સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ નિષ્ણાતોની સમિતિની મંજૂરી ફરજિયાત બનાવવાની પણ માંગ કરવામાં આવી છે.
પર્યાવરણપ્રેમીઓએ જણાવ્યું હતું કે બરડા ડુંગર માત્ર જંગલ નથી, પરંતુ ગુજરાતની કુદરતી સંપત્તિ, સંસ્કૃતિ અને આવનારી પેઢી માટેની અમૂલ્ય ધરોહર છે, જેને બચાવવી સૌની સામૂહિક જવાબદારી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya