
પાટણ, 26 મે (હિ.સ.) પાટણ નગરપાલિકામાં ચોમાસાની પૂર્વ તૈયારીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના આયોજન અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર લાઈનોની સંપૂર્ણ સફાઈ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે જણાવ્યું કે ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. તમામ ગટર અને વરસાદી પાણીની લાઈનોની સફાઈથી 50થી 60 ટકા સુધી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમ તેમણે જણાવ્યું.
ફાયર વિભાગ, જળ સપ્લાય વિભાગ અને નગરપાલિકાની ટીમ મળીને પ્રિ-મોન્સૂન કામગીરી કરશે. ફાયર વિભાગે હેલ્પલાઇન નંબર 02766 233232 જાહેર કર્યો છે, જેના દ્વારા નાગરિકો જરૂર પડે ત્યારે મદદ મેળવી શકે છે.
બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર દિપક પટેલે આક્ષેપ કર્યો કે બેઠક માત્ર 15 મિનિટમાં સમેટી લેવામાં આવી અને સભ્યોના પ્રશ્નો યોગ્ય રીતે સાંભળવામાં આવ્યા નહીં. વિપક્ષે માંગ કરી છે કે આવા મહત્વના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવે અને તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ