
વલસાડ, 26 મે (હિ.સ.) વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં લોકો સુધી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘરઆંગણે પહોંચે તે હેતુથી ‘ધરતીઆંબા જનભાગીદારી અભિયાન’ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓ આ અભિયાનમાં જોડાઈ લોકોને સીધી સહાયતા પૂરી પાડશે.
આ અંતર્ગત તા. ૨૯ મેના રોજ ધરમપુર તાલુકાની ગ્રામ પંચાયત હનમતમાળ ખાતે વિશેષ જનભાગીદારી કાર્યક્રમ યોજાશે. જેમાં હનમતમાળ, હથનબારી, રાજપુરી જંગલ, ગોરખડા, શીશુમાળ, ભવઠાણ, આંબોસી, ગનવા, મનાઇચોંઢી, આવધા, ખામદહાડ, બોપી, ચાસમાંડવા, જાગીરી, નડગધરી અને સજનીબરડા ગામોના લોકો ભાગ લઈ શકશે.
તે જ રીતે તા. ૩૦ મેના રોજ ગ્રામ પંચાયત જામલીયા ખાતે જનભાગીદારી અભિયાન કાર્યક્રમ યોજાશે. જેમાં જામલીયા, મામાભાચા, બિલધા, મોરદહાડ, પીપલપાડા, પાંડવખડક, સોનંદર, મુરદડ અને ગડી ગામના લોકો વિવિધ યોજનાઓનો લાભ મેળવી શકશે.
કાર્યક્રમ દરમિયાન આયુષ્માન ભારત કાર્ડ, PM કિસાન સમ્માન નિધિ યોજના, ST/PVTG જાતિ પ્રમાણપત્ર, રેશન કાર્ડ તથા વિધવા પેન્શન સહિતની યોજનાઓના ફોર્મ ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પણ આપવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને આ વિશેષ કાર્યક્રમોમાં હાજરી આપી સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha