

પોરબંદર, 26 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં “બ્લૂ ઇકોનોમી”ને દેશના આર્થિક વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવા માટે અવિરત પ્રયાસો થઈ રહ્યા છે. દરિયાઈ જળચર સંપત્તિનો વૈજ્ઞાનિક ઉપયોગ, આધુનિક ટેક્નોલોજી, વેલ્યુ એડિશન, નિકાસ વૃદ્ધિ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારી સર્જન દ્વારા સમુદ્રી અર્થતંત્ર ઉભું કરવાનો આ અભિગમ ગુજરાત જેવા દરિયાકાંઠા ધરાવતા રાજ્ય માટે નવી તકો સર્જી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા માછીમારી અને સી-ફૂડ ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો અને ઉદ્યોગસાહસિકોને વિવિધ સહાય યોજનાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
ગુજરાત રાજ્ય દેશભરમાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે અગ્રીમ સ્થાન ધરાવે છે. પોરબંદર સહિતના દરિયાઈ સીમા ધરાવતા વિસ્તારોમાં હજારો પરિવારોનું જીવન માછીમારી અને સી-ફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલું છે. પરંતુ વર્ષો સુધી દરિયાઈ પેદાશોના પ્રોસેસીંગ અને પ્રિઝર્વેશન માટે જરૂરી આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક સુવિધાઓના અભાવે વિદેશી બજારમાં યોગ્ય કિંમત મળતી ન હતી. ખાસ કરીને યુરોપિયન યુનિયન (E.U. Norms) જેવા કડક ધોરણોને અનુરૂપ સુવિધાઓ ન હોવાથી મોટાભાગનો માલ ઓછી કિંમતે અન્ય બજારોમાં મોકલવો પડતો હતો.
પરંતુ રાજ્ય સરકાર દ્વારા વેલ્યુ એડેડ મશીનરી સહિતના સાધનો માટે સહાય પૂરી પાડવામાં આવતા દરિયાઈ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે ગુણવત્તા, નિકાસ અને આવક એમ ત્રણે ક્ષેત્રોમાં નોંધપાત્ર વધારો નોંધાઈ રહ્યો છે. જેના પરિણામે પોરબંદર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં સી-ફૂડ ઉદ્યોગ વૈશ્વિક બજારમાં નવી ઓળખ બનાવી રહ્યો છે. સરકારની સહાયથી આધુનિક વેલ્યુ એડેડ મશીનરી અપનાવનાર પોરબંદરની “સિદ્દિક સી ફૂડ”ની સફળતા આ પરિવર્તનનું જીવંત ઉદાહરણ બન્યું છે.
પોરબંદરના પ્રગતિશીલ ઉદ્યોગસાહસિક કરસ્તેલા મુહમ્મદસિદ્દિક ગુલામહુસૈનએ પોતાના ફિશ પ્રોસેસીંગ પ્લાન્ટને વૈશ્વિક ધોરણોને અનુરૂપ બનાવવા માટે સરકારના i-Khedut Portal મારફતે મત્સ્યોદ્યોગ વિભાગની એફ.એસ.એચ-7 (103/01) યોજના હેઠળ અદ્યતન વેલ્યુ એડેડ મશીનરી ખરીદવા ઓનલાઈન અરજી કરી હતી. અરજી પ્રક્રિયાથી લઈને વહીવટી મંજૂરી સુધીની સમગ્ર કામગીરી સંપૂર્ણ પારદર્શક રીતે પૂર્ણ થઈ હતી. વર્ષ 2025b-26 દરમિયાન તેમની અરજી મંજૂર થતાં કુલ ખર્ચના 50 ટકા સહાય ધોરણે રૂ. 98,66,456 ની માતબર સહાય મંજૂર કરવામાં આવી હતી.
આ સહાયથી તેમણે પોતાના પ્લાન્ટમાં અદ્યતન વેલ્યુ એડેડ મશીનરી સ્થાપિત કરી. આજે આ મશીનરીના ઉપયોગથી ક્રોકર ફિશ, બિગ માઉથ ક્રોકર, રિબન ફિશ, ઓક્ટોપસ, નરસિંગા અને કટલ ફિશ જેવી વિવિધ દરિયાઈ પેદાશોમાં ઉચ્ચ સ્તરીય વેલ્યુ એડિશન થઈ રહ્યું છે. ગુણવત્તા, હાઈજિન અને આંતરરાષ્ટ્રીય ધોરણોનું પાલન થતાં તેમની પ્રોડક્ટ્સને યુરોપિયન બજારમાં ઊંચી કિંમત અને વિશેષ માંગ મળી રહી છે. પરિણામે તેમનો ફિશ પ્રોસેસીંગ પ્લાન્ટ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં નવી ઓળખ બનાવી રહ્યો છે.
“સિદ્દિક સી ફૂડન માલિક ઇમરોજ કારતેલા જણાવ્યું કે અમારી કંપની સી-ફૂડ એક્સપોર્ટના બિઝનેસમાં મોટે ભાગે ચાઇના અને દુબઈ જેવા દેશોમાં નોન-વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ (નોન-IQF) મોકલતી હતી. પરંતુ, આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ પ્રગતિ કરવા માટે અને પ્રોડક્ટની ગુણવત્તા વધારવા માટે વેલ્યુ-એડિશન કરવું ખૂબ જ જરૂરી હતું. આ માટે અમારે IQF મશીનની ખાસ જરૂરિયાત હતી. અને આધુનિક મશીનરીની ઊંચી કિંમતને કારણે તે ખરીદવી મુશ્કેલ હતી. પરંતુ સરકારની સહાય મળ્યા પછી અમે અદ્યતન મશીનરી સ્થાપિત કરી શક્યા. આજે અમારા પ્લાન્ટમાંથી તૈયાર થતો લગભગ 90 ટકા માલ સીધો યુરોપમાં નિકાસ થાય છે અને અન્ય દેશોની સરખામણીએ લગભગ ત્રણ ગણા વધુ ભાવ મળે છે.”
વધુમાં તેમણે જણાવ્યું કે સરકારની આ નીતિઓને કારણે અમારું એક્સપોર્ટ લગભગ ડબલ થવા જઈ રહ્યું છે. આગામી એક-બે વર્ષમાં અમે બીજા નવા IQF મશીનો ઇન્સ્ટોલ કરીને અમારા યુનિટનું વધુ વિસ્તરણ (Expansion) કરવા જઈ રહ્યા અમે સરકારના અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટના ખૂબ ખૂબ આભારી છીએ, જેમના સતત સપોર્ટને કારણે આજે જે દેશોમાં એક્સપોર્ટ કરવું પહેલાં ખૂબ જ અઘરું હતું, ત્યાં આજે સરકારની સહાયથી પ્રક્રિયા ખૂબ જ સરળ અને નફાકારક બની છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya