
સુરત, 26 મે (હિ.સ.) સુરતના કાપડ ઉદ્યોગમાં વધુ એક મોટા પાયાની ઉઠામણીનો મામલો પ્રકાશમાં આવ્યો છે. રિંગરોડની સાંઈ દર્શન માર્કેટમાં જય જીન ફેબના સંચાલકે દલાલ સાથે મળી 34 જેટલા એમ્બ્રોઈડરીના ખાતેદારો પાસે સાડીના કાપડમાં એમ્બ્રોઈડરી જાબવર્ક કરાવ્યા બાદ મજુરીના ચુકવવાના નિકળતા રૂપિયા 3.06 કરોડ નહી ચૂકવી દુકાન અને મોબાઈલ બંધ કરી ફરાર થઈ જતા વેપારીઅો દોડતા થયા છે. સમગ્ર મામલે પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસના ચક્રોગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કતારગામ, રામકથા રોડ, આંબાતલાવડી, સરીતા કો.ઓ.હા. સોસાયટીમાં રહેતા અને કતારગામ ન્યુ જી.આઈ.ડી.સીમાં ધન્વી એન્ટરપ્રાઈઝના નામથી એમ્બ્રોડરી જોબવર્કનો વ્યવસાય સાથે સંકલાયેલા ધર્મેશ અમરશીભાઈ વસ્તરપરા સહિત 34 જેટલા એમ્બ્રોઈડરીના કારખાનેદારો પાસેથી રિંગરોડ સ્થિત સાંઈ દર્શન માર્કેટમાં જય જીન ફેબના પ્રોપરાઈટર નિતેશ સાવરમલ અગ્રવાલ કાપડ દલાલ સુરેશ ઓધાભાઈ લાખણકીયા મારફતે એમ્બ્રોડરી કામ માટે સાડીના કાપડ આપ્યા હતા. ગત 12મી માર્ચ 2026થી 5 મે 2026 દરમિયાન ફરિયાદીની ફર્મમાંથી સાડીમાં એમ્બ્રોડરીનું જોબવર્ક કરાવવામાં આવ્યું હતું. કામ પૂર્ણ થયા બાદ ધર્મેશભાઈના મજૂરીના રૂ.43.73 લાખ જયારે બાકીના અન્ય 33 વેપારીઓના કુલ રૂ.2.62 કરોડ મળી કુલ રૂપિયા 3,06,32,348 લેવાના નિકળતા હતા.
આરોપીઓએ જોબવર્ક કરાવ્યા બાદ તૈયાર માલ મેળવી લીધો હતો અને ત્યારબાદ માર્કેટના ધારાધોરણ મુજબ નક્કી કરેલ સમય મર્યાદામાં આરોપીઓએ પેમેન્ટ નહી આપતા એમ્બ્રોઈડરીના કારખાનેદારોએ તેમની પાસેથી ઉઘરાણી કરતા શરૂઆતમાં પેમેન્ટ આપી દેવાના ખોટ ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ આરોપીઓએ દુકાન બંધ કરી દીધી હતી અને મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ કરી સંપર્ક તોડી નાખ્યો હતો. આરોપી નિતેશ અગ્રવાલે ઉઠામણું કરતા તમામ એમ્બ્રોઈડરીના ખાતેદરો દોડતા થયા હતા અને આખરે બનાવ અંગે ગતરોજï ફરિયાદ નોંધવતા પોલીસે ધર્મેશ વસ્તરપરાની ફરિયાદ લઈ નિતેશ અગ્રવાલ અને દલાલ સુરેશ લાખણકીયા સામે 3.06 કરોડની છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે