મિડલ ઈસ્ટ યુદ્ધની અસર: વલસાડ જિલ્લામાં યુરિયા અને DAP ખાતરની અછતની શક્યતા
વલસાડ,26 મે (હિ.સ.) મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં આગામી ચોમાસાની ખરીફ સિઝનમાં યુરિયા અને ફોસ્ફેટિક ખાતરની તીવ્ર અછત સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખ
યુરિયા


વલસાડ,26 મે (હિ.સ.) મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લામાં આગામી ચોમાસાની ખરીફ સિઝનમાં યુરિયા અને ફોસ્ફેટિક ખાતરની તીવ્ર અછત સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે.

વલસાડ જિલ્લા ખેતીવાડી વિભાગના વિસ્તરણ અધિકારી પ્રતીક પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે ભારત વિદેશથી આયાત કરાતા ખાતરો પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. હાલ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આયાત પ્રક્રિયામાં અવરોધ ઉભો થયો છે, જેના સીધા પ્રભાવરૂપે ખાતરના પુરવઠા પર અસર પડી રહી છે.

જિલ્લામાં ખરીફ સિઝન દરમિયાન કુલ 54 હજાર મેટ્રિક ટન ખાતરની માંગ કરવામાં આવી હતી, જેમાંથી માત્ર યુરિયા ખાતરની માંગ જ 28 હજાર મેટ્રિક ટન જેટલી છે. ખાસ કરીને ડાંગરની ખેતી માટે યુરિયા ખાતર સૌથી વધુ ઉપયોગી હોવાથી તેની માંગ વધારે રહેવાની શક્યતા છે.

આંકડાઓ મુજબ, એપ્રિલ મહિનામાં 1200 મેટ્રિક ટન યુરિયાની ફાળવણી સામે માત્ર 937 મેટ્રિક ટન જ સપ્લાય થયો હતો. જ્યારે મે મહિનામાં 1500 મેટ્રિક ટન ફાળવણી સામે અત્યાર સુધીમાં ફક્ત 568 મેટ્રિક ટન યુરિયા જ જિલ્લામાં પહોંચ્યો છે. બીજી તરફ, મે મહિનામાં 500 મેટ્રિક ટન DAP ખાતરની ફાળવણી સામે હજુ સુધી કોઈ પુરવઠો મળ્યો નથી. જોકે, આગામી દિવસોમાં તેનો જથ્થો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેતીવાડી વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, યુરિયા અને DAP જેવા આયાતી ખાતરોની અછત નિશ્ચિત છે, પરંતુ ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક ખાતરો અંગે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા ખેડૂતોને યુરિયાના બદલે દેશમાં ઉત્પાદિત થતા એમોનિયમ સલ્ફેટ, પોટાશ અને NPK જેવા મિશ્ર ખાતરોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જ્યારે DAPના વિકલ્પ તરીકે SSP (સિંગલ સુપર ફોસ્ફેટ) ખાતર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

સરકાર હવે નેનોયુરિયા અને નેનોડીએપી જેવા આધુનિક ખાતરોના ઉપયોગ પર પણ ભાર મૂકી રહી છે. અધિકારીઓનું માનવું છે કે જો ખેડૂતો સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિકલ્પો અપનાવશે તો મિડલ ઈસ્ટ યુદ્ધની અસર છતાં વલસાડ જિલ્લામાં પાક ઉત્પાદન પર મોટી અસર નહીં પડે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha


 rajesh pande