
વાપી,26 મે (હિ.સ.) ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે શરૂ કરાયેલા ‘ઓપરેશન ક્લીન’ અંતર્ગત વલસાડ જિલ્લા SOG અને ગુજરાત ATSની સંયુક્ત ટીમને મોટી સફળતા મળી છે. ઔદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર પ્રતિબંધિત મેફેડ્રોન (MD) ડ્રગ્સ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરીનો પર્દાફાશ થયો છે.
ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ઘટનાસ્થળેથી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં વપરાતી સામગ્રી, લિક્વિડ ફોર્મ તેમજ તૈયાર થયેલો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. આ સમગ્ર ઓપરેશન દરમિયાન પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને અંદાજે ₹1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાપીના એક વિસ્તારમાં આવેલા ભંગારના (સ્ક્રેપ) ગોડાઉનની આડમાં આ ગેરકાયદેસર નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. આરોપીઓ બહારથી કેમિકલ અને લિક્વિડ મંગાવી ગોડાઉનમાં તેની પ્રોસેસિંગ કરતા હતા. ત્યારબાદ લિક્વિડને સૂકવી હાઈ-ક્વોલિટી મેફેડ્રોન પાવડર તૈયાર કરવામાં આવતો હતો. આસપાસના લોકોને કોઈ શંકા ન જાય તે માટે ભંગારના ગોડાઉનનો આડશ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
ATS અને SOGની ટીમે સંયુક્ત દરોડા દરમિયાન સ્થળ પરથી જ 2 મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં એક આરોપી વાપીનો સ્થાનિક રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બીજો આરોપી પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દમણનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં પ્રોસેસ થઈ રહેલા કેમિકલ, રો-મટીરિયલ, ડ્રગ્સ બનાવવાના સાધનો તેમજ તૈયાર થયેલો મેફેડ્રોનનો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત ₹1 કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.
હાલ ATS અને વલસાડ પોલીસ દ્વારા સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગેરકાયદેસર ફેક્ટરી કેટલા સમયથી કાર્યરત હતી, ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટીરિયલ ક્યાંથી આવતું હતું અને તૈયાર થયેલો જથ્થો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ક્યાં સપ્લાય થવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય મોટા માથાઓના નામો પણ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha