
વલસાડ,26 મે (હિ.સ.) વલસાડ જિલ્લામાં ઉંદર પકડવાની જાળ એટલે કે ગ્લુટ્રેપ, ગ્લુબોર્ડ અથવા સ્ટીકી તરીકે ઓળખાતી જાળના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ મહિપાલસિંહ ચુડાસમાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ-163 હેઠળ મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડી આ આદેશ અમલમાં મૂક્યો છે.
માહિતી મુજબ ગ્લુટ્રેપમાં ફસાયેલા ઉંદરો ગુંદરની ચીકણી સપાટીમાંથી બહાર નીકળી શકતા નથી, જેના કારણે તેઓ ડીહાઈડ્રેશન, ભૂખમરો અને ગુંગળામણ જેવી પીડાદાયક પરિસ્થિતિમાંથી મૃત્યુ પામે છે. આ પ્રથાને પ્રાણી ક્રૂરતા માનવામાં આવતી હોવાથી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી Writ Petition (PIL) નં. 28/2024ના અનુસંધાને ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા કડક અમલીકરણની સૂચનાઓ આપવામાં આવી હતી.
પ્રાણી કુરતા નિવારણ અધિનિયમ-1960ની કલમ-11 મુજબ કોઈપણ પ્રાણીને બિનજરૂરી પીડા પહોંચાડવી ગુનો ગણાય છે. હાઈકોર્ટ તથા પ્રાણી કુરતા નિવારણ સમિતિની સૂચના આધારે વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. 22 મે 2026થી 19 જુલાઈ 2026 સુધી ગ્લુટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ-223 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેનાથી ઉપરના દરજ્જાના અધિકારીઓને ફરિયાદ નોંધવાની સત્તા આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha