એક બાજુ રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધ્યો તો અરવલ્લી-બનાસકાંઠામાં કાળા વાદળો ઘેરાયા
અમદાવાદ,26 મે (હિ.સ.) ગુજરાતમાં મે મહિનામાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે વિવિધ સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ 43°C મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સ
એક બાજુ રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધ્યો તો અરવલ્લી-બનાસકાંઠામાં કાળા વાદળો ઘેરાયા


અમદાવાદ,26 મે (હિ.સ.) ગુજરાતમાં મે મહિનામાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે.

રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેના કારણે વિવિધ સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અમદાવાદ 43°C મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે ગાંધીનગર અને રાજકોટમાં 42.5°C તેમજ સુરેન્દ્રનગરમાં 42.3°C મહત્તમ તાપમાન નોંધાયું છે.

મે મહિનાની આકરી ગરમી અને અસહ્ય બફારાના કારણે લોકોને રાત્રિના સમયે પણ રાહત મળી રહી નથી. ઉકળાટભર્યા વાતાવરણને લીધે વડીલોના સ્વાસ્થ્ય પર જોખમ વધ્યું છે. કાળઝાળ ગરમીને લીધે ઘરો પણ 'તપેલા' જેવા થઈ ગયા છે, જેના કારણે એસીની અસર પણ અડધી થઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.

બીજી તરફ, વહેલી સવારથી અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અહીંના ગ્રામ્ય પંથકોમાં કાળાડિબાંગ વાદળો ઘેરાતાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉનાળાની સીઝનમાં અચાનક વરસાદી વાતાવરણ બનવાના કારણે ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ચાર દિવસ સુધી લોકોને આવી જ અસહ્ય અકળામણ અને ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા પવનો ફૂંકાવાના કારણે ભારે ડિસ્કમ્ફર્ટ અનુભવાશે અને રાજ્યભરમાં રાત્રે પણ બફારો યથાવત રહેશે. જો કે, આ દિવસોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, પરંતુ ગરમી અને ભેજનું ઊંચું પ્રમાણ સામાન્ય જનજીવનને પ્રભાવિત કરતું રહેશે.

અમદાવાદ શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે, જ્યાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધુ એટલે કે 43.0°C નોંધાયું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 28.4°C રહ્યું છે. શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 63% અને સાંજે 27% નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં પણ અમદાવાદ શહેરમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે અને મહત્તમ તાપમાન 43°Cની આસપાસ જ રહેવાની શક્યતા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande