
ભાવનગર,27 મે (હિ.સ.) સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કામગીરીનો મુખ્ય હેતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે. મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સ્વચ્છતા ટીમ દ્વારા બજારો, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોએ જઈને લોકોને પ્લાસ્ટિકની થેલીઓના નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ લોકોને કાપડની થેલીનો નિયમિત ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નાગરિકોમાં પણ સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઘણા લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની પ્રતિજ્ઞા લઈને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવાની ખાતરી આપી હતી. મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે માત્ર તંત્રના પ્રયાસો પૂરતા નથી, પરંતુ દરેક નાગરિકની જવાબદારી અને સહકાર પણ એટલો જ મહત્વનો છે.
સ્વચ્છતા જાળવવા માટે લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના વિકસે તે માટે આવનારા દિવસોમાં પણ આવા કાર્યક્રમો સતત યોજવામાં આવશે. “સ્વચ્છ શહેર આપણું ગૌરવ અને આપણી જવાબદારી” ના સૂત્ર સાથે ભાવનગર મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ, સુંદર અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ બની કાર્ય કરી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA