
બોટાદ,27 મે (હિ.સ.) બોટાદ જિલ્લાના સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જિલ્લાના નાગરિકોને સરકારના “પરિવહન” પોર્ટલ મારફતે ઉપલબ્ધ ફેસલેસ સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વાહન વ્યવહાર વિભાગ દ્વારા વિવિધ સેવાઓ હવે ઓનલાઈન અને સરળ બનાવવામાં આવી છે, જેના કારણે નાગરિકોને આર.ટી.ઓ. કચેરીએ ધક્કા ખાવાની જરૂરિયાત ઘટી રહી છે.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે નાગરિકો હવે ઘરે બેઠા જ વાહન સંબંધિત અનેક સેવાઓ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં વાહનની માલિકી તબદીલી, હાઇપોથેકેશન (લોન) રદ કરાવવાની પ્રક્રિયા, આર.સી.માં સરનામું બદલાવવું, ડુપ્લિકેટ આર.સી. મેળવવી સહિતની સેવાઓનો સમાવેશ થાય છે. ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સનું રિન્યુઅલ, લાઇસન્સમાં સરનામું સુધારવું, જરૂરી ફેરફારો કરાવવા તેમજ ડુપ્લિકેટ લાઇસન્સ મેળવવા જેવી સેવાઓ પણ “પરિવહન” પોર્ટલ દ્વારા સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ તમામ સેવાઓ આધાર કાર્ડ અને મોબાઇલ નંબર લિંકિંગ દ્વારા ફેસલેસ પદ્ધતિથી આપવામાં આવી રહી છે. જેના કારણે કામગીરી વધુ ઝડપી, પારદર્શક અને સમયબદ્ધ બની છે. નાગરિકોને લાંબી લાઇનોમાં ઉભા રહેવાની જરૂર રહેતી નથી તેમજ સમય અને ખર્ચ બંનેમાં બચત થાય છે.
વાહન વ્યવહાર વિભાગ દ્વારા નાગરિકોને ડિજિટલ સેવાઓ પ્રત્યે જાગૃત બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અધિકારીએ જિલ્લાના વધુમાં વધુ નાગરિકોને આ સુવિધાનો ઉપયોગ કરી સરકારની ઓનલાઈન અને ફેસલેસ સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA