
નવી દિલ્હી, 27 મે (હિ.સ.). દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની પુણ્યતિથિ પર, બુધવારે કોંગ્રેસના અનેક વરિષ્ઠ નેતાઓએ શાંતિવન પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન નેતાઓએ નેહરુને આધુનિક ભારતના નિર્માતા ગણાવતા તેમના દૂરદર્શી વિચાર, લોકતાંત્રિક મૂલ્યો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણને યાદ કર્યા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, પંડિત નેહરુએ મજબૂત લોકતાંત્રિક સંસ્થાઓ અને આધુનિક ભારતના નિર્માણનો પાયો નાખ્યો. તેમણે કહ્યું કે નેહરુ દ્વારા સ્થાપિત ઔદ્યોગિક, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક સંસ્થાઓએ દેશને નવી દિશા આપી અને તેમનો વારસો આજે પણ દેશનું માર્ગદર્શન કરી રહ્યો છે. ખરગેએ જણાવ્યું કે સ્વતંત્રતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા અને વૈજ્ઞાનિક વિચાર પ્રત્યે નેહરુનું સમર્પણ ભારતની આત્મામાં આજે પણ જીવંત છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પંડિત નેહરુને નમ્ર શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, તેમણે પોતાનું સંપૂર્ણ જીવન સમાવેશી, સૌહાર્દપૂર્ણ અને પ્રગતિશીલ ભારતના નિર્માણ માટે સમર્પિત કરી દીધું. રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સ્વતંત્રતા, લોકતાંત્રિક સિદ્ધાંતો, બંધારણીય અધિકારો, સામાજિક ન્યાય અને વૈજ્ઞાનિક વિચાર પર આધારિત નેહરુનું નેતૃત્વ હંમેશા પ્રેરણા આપતું રહેશે.
કોંગ્રેસના મહાસચિવ અને લોકસભા સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, કોઈપણ કાર્યનું વાસ્તવિક માપદંડ એ છે કે સમાજના કેટલા લોકોના આંસુ લૂછવામાં આવ્યા અને કેટલા લોકોના જીવનમાં ખુશીઓ લાવવામાં આવી. તેમણે જણાવ્યું કે, નેહરુનું માનવું હતું કે દેશ ત્યારે જ આગળ વધી શકે છે જ્યારે કરોડો લોકો પ્રગતિ કરે અને ખુશહાલ થાય. આ જ વિચાર હેઠળ તેમણે શિક્ષણ, આરોગ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, ઉદ્યોગ અને કૃષિ સાથે જોડાયેલી મોટી સંસ્થાઓની સ્થાપના કરી, જેના કારણે ભારત મજબૂત બન્યું.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ અને લોકસભા સાંસદ કેસી વેણુગોપાલે જણાવ્યું કે, નેહરુએ સંસ્થાનવાદથી જર્જરિત ભારતને એક મજબૂત અને આધુનિક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે સ્થાપિત કર્યું. જ્યારે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભા સાંસદ શશી થરૂરે જણાવ્યું કે, પંડિત નેહરુનું જીવન લોકશાહી, સામાજિક ન્યાય અને ધર્મનિરપેક્ષ બહુલવાદ પ્રત્યે સમર્પિત હતું અને તેમનો વારસો આજે પણ દેશને દિશા આપી રહ્યો છે.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે, પંડિત જવાહરલાલ નેહરુનું યોગદાન માત્ર સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે જ નહીં, પરંતુ આધુનિક ભારતના નિર્માતા તરીકે પણ હંમેશા યાદ રાખવામાં આવશે. નેતાઓએ તેમને “હિંદના જવાહર” ગણાવતા સત્ય, એકતા અને શાંતિના મૂલ્યોના પ્રતીક તરીકે ઓળખાવ્યા.
ઉલ્લેખનીય છે કે, પંડિત જવાહરલાલ નેહરુનું અવસાન 27 મે 1964 ના રોજ થયું હતું. તેમને પંચવર્ષીય યોજનાઓ, જાહેર ક્ષેત્રના વિકાસ, વૈજ્ઞાનિક સંસ્થાઓની સ્થાપના અને લોકતાંત્રિક મૂલ્યોને મજબૂત કરવા માટે યાદ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / માધવી ત્રિપાઠી / અમરેશ દ્વિવેદી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ