
વિશેષ મુલાકાત
ઇન્દ્રાણી સરકાર | હિન્દુસ્થાન સમાચાર
હૈદરાબાદ / નવી દિલ્હી, 26 મે (હિ.સ.) હિન્દુસ્થાન સમાચાર સાથેની વિશેષ વાતચીતમાં તેલંગાણાના મહેસૂલ અને ગૃહ નિર્માણ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ ચૂંટણીલક્ષી વચનોના અમલીકરણ, ભૂ-ભારતી સુધારા, મહેસૂલ ડિજિટલાઇઝેશન, શત્રુ સંપત્તિઓની સુરક્ષા, ઇન્દિરામ્મા આવાસ, રોકાણ, રોજગાર, હૈદરાબાદ વિસ્તરણ, એરપોર્ટ વિકાસ, ખેડૂત કલ્યાણ અને તેલંગાણાના રાજકીય દ્રષ્ટિકોણ પર વિગતવાર ચર્ચા કરી. અહીં પ્રસ્તુત છે વાતચીતના મુખ્ય અંશો:
મુખ્ય મુદ્દાઓ..............
• ભૂ-ભારતી અધિનિયમ દેશ માટે એક માર્ગદર્શક મોડલ તરીકે ઊભરી રહ્યો છે
• તેલંગાણામાં ₹10,000 કરોડની કિંમતની શત્રુ સંપત્તિઓની સુરક્ષા માટે કડક પગલાં લીધાં
• ઇન્દિરામ્મા આવાસ યોજના અંતર્ગત ઘરોના નિર્માણમાં તેજી
• રોકાણ, માળખાકીય સુવિધાઓ અને રોજગાર વિસ્તરણ પર તેલંગાણાનું વિશેષ ધ્યાન
• રાજ્યમાં બીઆરએસ (BRS) નો અધ્યાય સમાપ્ત થઈ ચૂક્યો છે
ચૂંટણીલક્ષી વચનોનું અમલીકરણ
પ્રશ્ન: તેલંગાણામાં તમારા અઢી વર્ષના શાસનકાળ દરમિયાન તમે ચૂંટણીલક્ષી વચનોને કઈ હદ સુધી લાગુ કર્યા છે?
ઉત્તર: ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષ તરફથી આપવામાં આવેલા લગભગ 80 ટકા વચનોને અમે લાગુ કર્યા છે. આ સિવાય ઘણી એવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે જેની તે સમયે સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી ન હતી. મુખ્યમંત્રી રેવંત રેડ્ડી (જેઓ તે સમયે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ હતા) અને નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કા દ્વારા પદયાત્રા દરમિયાન કરાયેલા વચનોને સત્તામાં આવ્યાના તરત જ બાદ લાગુ કરવામાં આવ્યા હતા. આ પહેલોમાં સૌથી મહત્વપૂર્ણ ‘ધરણી’ પોર્ટલ નાબૂદ કરવાનું હતું—જેના કારણે લાખો ખેડૂતો અને નાગરિકોને મુશ્કેલીઓનો સામને કરવો પડ્યો હતો. તેની જગ્યાએ સમાજના તમામ વર્ગોના સૂચનો અને વિચારોના આધારે ‘ભૂ-ભારતી અધિનિયમ’ લાગુ કરવામાં આવ્યો. આજે આ અધિનિયમ દેશના અન્ય રાજ્યો માટે પણ માર્ગદર્શક બની રહ્યો છે.
ભૂ-ભારતી અને મહેસૂલ ડિજિટલાઇઝેશન
પ્રશ્ન: શું તમે ભૂ-ભારતી પોર્ટલ અને તેની સાથે જોડાયેલી સેવાઓ વિશે વિગતવાર જણાવી શકો છો?
ઉત્તર: ખેડૂતોને પારદર્શક અને સરળ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જમીન, મોજણી (સર્વે) અને નોંધણી (રજીસ્ટ્રેશન) વિભાગોને એકીકૃત કરીને ‘ભૂ-ભારતી’ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે ખેડૂતોને જમીન સંબંધિત સેવાઓ માટે પહેલાની જેમ સેવા કેન્દ્રોના ધક્કા ન ખાવા પડે અને તેઓ ઘરે બેઠા સેવાઓનો લાભ મેળવી શકે. ભૂ-ભારતી અધિનિયમ અનુસાર, કૃષિ જમીનની નોંધણી વખતે સર્વે નકશો જોડવો ફરજિયાત કરવામાં આવી રહ્યો છે જેથી ખરીદનાર અને વેચનાર બંનેને સરળતા રહે. દરેક સર્વે નકશાને (એલપીએમ) એક વિશિષ્ટ નંબર અને દરેક સર્વે નંબરને આધાર કાર્ડની જેમ ‘ભૂધાર’ નંબર આપવામાં આવી રહ્યો છે. તેને તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. આ માટે પાંચ મંડળોમાં પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
જાહેર સંપત્તિઓની સુરક્ષા: શત્રુ સંપત્તિઓ પર વિશેષ ધ્યાન
પ્રશ્ન: શત્રુ સંપત્તિઓ અને વિવાદિત સરકારી જમીનો હવે ચર્ચાનો વિષય બની રહી છે. સરકાર આ દિશામાં શું પગલાં લઈ રહી છે?
ઉત્તર: તેલંગાણામાં આવેલી શત્રુ સંપત્તિઓની સુરક્ષા અને તેમના ગેરકાયદેસર દબાણો અટકાવવા તે મહેસૂલ વિભાગની પ્રાથમિકતા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં આશરે ₹10,000 કરોડની કિંમતની શત્રુ સંપત્તિઓ આવેલી છે. આ સંપત્તિઓનું વ્યાપક જમીન સર્વેક્ષણ કરવા અને સંબંધિત રેકોર્ડનું વ્યવસ્થિત ડિજિટલાઇઝેશન કરવાના આદેશ અધિકારીઓને આપવામાં આવ્યા છે. રાજ્યના મહેસૂલ તંત્રએ આ સંપત્તિઓની ઓળખ અને સુરક્ષાની પ્રક્રિયા ઝડપી બનાવી છે અને આ માટે કેન્દ્ર સરકાર હેઠળ કાર્યરત કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી ફોર ઇન્ડિયા (સીઈપીઆઈ) ના અધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. આ પગલાંનો હેતુ જમીન વહીવટને મજબૂત બનાવવો, પારદર્શિતા વધારવી અને જાહેર સંપત્તિઓની અસરકારક સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
કલ્યાણકારી યોજનાઓ અને વિપક્ષની ટીકા
પ્રશ્ન: વિપક્ષનો આરોપ છે કે ચૂંટણીલક્ષી વચનોનું પૂર્ણ અમલીકરણ થયું નથી?
ઉત્તર: અગાઉની બીઆરએસ સરકારે અમને એવું તેલંગાણા સોંપ્યું, જે એક સમયે સરપ્લસ (વધારે ભંડોળ ધરાવતું) રાજ્ય હતું, પરંતુ હવે તે ₹8 લાખ કરોડથી વધુના દેવાના બોજ હેઠળ દબાયેલું છે. જેના પરિણામે અમે હાલમાં માત્ર વ્યાજની ચૂકવણી માટે જ દર મહિને અંદાજે ₹6,500 કરોડ ખર્ચ કરી રહ્યા છીએ. આમ છતાં, નાણાકીય શિસ્ત જાળવી રાખીને અમે જનતા સુધી કલ્યાણકારી યોજનાઓ અને વિકાસ કાર્યક્રમો પહોંચાડી રહ્યા છીએ. દેશમાં કર્ણાટક પછી મહિલાઓ માટે મફત બસ મુસાફરી યોજના લાગુ કરનાર બીજી કોંગ્રેસ સરકાર તેલંગાણા સરકાર છે. અમારા પછી આંધ્રપ્રદેશ તેમજ તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ સહિતના અનેક રાજ્યોએ પણ આ યોજના લાગુ કરી છે.
ઇન્દિરામ્મા આવાસ: ઘર અને વિશ્વાસનું નિર્માણ
પ્રશ્ન: તમે જે મુખ્ય યોજનાઓનો વારંવાર ઉલ્લેખ કરો છો, તેમાંથી સૌથી વધુ જનસમર્થન કોને મળ્યું છે?
ઉત્તર: હાલમાં રાજ્યના વિવિધ વિભાગો અંદાજે 100 નવી યોજનાઓ લાગુ કરી રહ્યા છે. આમાં ‘ઇન્દિરામ્મા આવાસ યોજના’ સમગ્ર દેશ માટે એક મોડલ બનીને ઊભરી આવી છે. અમે એવા ગરીબ પરિવારોની ઓળખ કરી રહ્યા છીએ જેમની પાસે રહેવા માટે ઘર નથી અને જેમની પાસે પહેલેથી જ જમીન ઉપલબ્ધ છે, તેમને ₹5 લાખની નાણાકીય સહાય આપીને પાકું ઘર બનાવવા માટે સક્ષમ બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં વર્તમાન સમયમાં આ પ્રકારની કોઈ બીજી યોજના ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકારની નાણાકીય સહાય વિના પણ અમે રાજ્ય સ્તરે ભંડોળ પૂરું પાડી રહ્યા છીએ. પ્રથમ વર્ષમાં જ 3.60 લાખ ઘરોને મંજૂરી આપીને ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે. આ વિભાગના મંત્રી તરીકે મને ગર્વ છે કે માત્ર એક વર્ષમાં જ 2 લાખ પરિવારો ગૃહપ્રવેશ કરી ચૂક્યા છે. અમે આગામી ત્રણ તબક્કામાં વધારાના ઘરોને મંજૂરી આપીશું. આ યોજના સતત ચાલતી પ્રક્રિયા તરીકે ચાલુ રહેશે. મુખ્યમંત્રી 2 જૂને આસિફાબાદ જિલ્લામાં ઇન્દિરામ્મા આવાસ યોજનાના બીજા તબક્કાની શરૂઆત કરશે.
ઇન્દિરામ્મા આવાસની સફળતાનું રહસ્ય
પ્રશ્ન: ઇન્દિરામ્મા આવાસ યોજનાના અમલીકરણ અને સફળતાના શું કારણ છે?
ઉત્તર: આ યોજના લાગુ કરવા દરમિયાન એવી અનેક ઘટનાઓ બની જે મનને ભાવવિભોર કરી દે તેવી છે. વર્ષો સુધી ભાડાના મકાનોમાં રહેતી મહિલાઓની આંખોમાં પોતાના ઘરને લઈને દેખાતી ખુશી અમારા માટે સૌથી મોટી પ્રેરણા બની છે. મને આજે પણ એક વૃદ્ધ મહિલાની વાત યાદ છે, જેમણે કહ્યું હતું — “મેં ક્યારેય વિચાર્યું ન હતું કે જીવન પૂરું થાય તે પહેલાં મારા નામે પણ એક ઘર હશે.” મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની તસવીર હાથમાં લઈને ગૃહપ્રવેશ કરતા લાભાર્થીઓના દ્રશ્યો આજે પણ યાદગાર છે. અમને એ જોઈને પણ આનંદ થયો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ યોજનામાં વિશેષ રસ દાખવ્યો. તાજેતરમાં જ મારા પાલેર મતવિસ્તારમાં યોજાયેલા પ્રજા દરબારમાં મળેલા અરજીપત્રોમાંથી 52 ટકા અરજીઓ ઇન્દિરામ્મા આવાસ માટેની હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે, આ યોજના લોકો માટે કેટલી ઉપયોગી અને સુસંગત છે. બીઆરએસ સરકારના દસ વર્ષોમાં ગરીબોની આવાસની જરૂરિયાતોની ઉપેક્ષા કરવામાં આવી હતી અને હવે લોકો આ પ્રજા-સરકાર પાસેથી પોતાના ઘરનું સ્વપ્ન સાકાર થવાની આશા રાખી રહ્યા છે.
તેલંગાણા રાઇઝિંગ: રોકાણ અને આર્થિક વિસ્તરણ
પ્રશ્ન: દેશ અને વિદેશનું ધ્યાન આકર્ષિત કરવા માટે આયોજિત 'તેલંગાણા રાઇઝિંગ' કાર્યક્રમથી કોઈ નક્કર ફાયદો જોવા મળ્યો છે?
ઉત્તર: તેલંગાણાને દેશની ભાવી આર્થિક શક્તિ તરીકે વિકસાવવાના હેતુથી 8 અને 9 ડિસેમ્બરે હૈદરાબાદના ભારત ફ્યુચર સિટીમાં ‘તેલંગાણા રાઇઝિંગ ગ્લોબલ સમિટ-2025’ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરનું રોકાણ આકર્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થયું. સંમેલન દરમિયાન 100 થી વધુ સમજૂતી કરારો (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરારો દ્વારા અંદાજે ₹5.75 લાખ કરોડના રોકાણમાં રસ દાખવવામાં આવ્યો છે. જેના પરિણામે ખાનગી ક્ષેત્રમાં લાખો રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.
રોજગાર અને વહીવટી સુધારા
પ્રશ્ન: બેરોજગાર યુવાનો માટે રોજગાર અને મહેસૂલ સુધારાની પહેલ કઈ રીતે આગળ વધી રહી છે?
ઉત્તર: તેલંગાણામાં સરકારની રચના બાદ અમે ભરતી પ્રક્રિયા ફરી શરૂ કરી છે, જે છેલ્લા દસ વર્ષથી લગભગ ઠપ થઈ ગઈ હતી. અત્યાર સુધીમાં અંદાજે 70 હજાર લોકોને રોજગારી આપવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત અમે ચૂંટણીલક્ષી વચન પૂરું કરીને મહેસૂલ સેવાઓને ગામડાના સ્તર સુધી પહોંચાડી છે. રાજ્યના 10,954 મહેસૂલી ગામોને ક્લસ્ટરોમાં વહેંચીને ગ્રામ વહીવટી અધિકારીઓની (VAOs) નિમણૂક કરવામાં આવી છે. આ જ રીતે 5,520 લાઇસન્સ પ્રાપ્ત સર્વેક્ષકો પણ પોતાની સેવાઓ આપી રહ્યા છે.
હૈદરાબાદ, ફ્યુચર સિટી અને એરપોર્ટ વિસ્તરણ
પ્રશ્ન: દેશના અગ્રણી મહાનગરોમાં સામેલ હૈદરાબાદના વિકાસ અને પ્રાદેશિક માળખાકીય સુવિધાઓના વિસ્તરણને લઈને તમારી શું યોજનાઓ છે?
ઉત્તર: હૈદરાબાદને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર વિકસાવવાની યોજના બનાવવામાં આવી છે. મેટ્રો રેલ નેટવર્કના વિસ્તરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કેન્ટોનમેન્ટ વિસ્તારને જીએચએમસી માં ભેળવી દેવાની જનતાની લાંબા સમયની માંગ પૂરી કરવામાં આવી છે. સરકારે 30 હજાર એકર વિસ્તારમાં ‘ફ્યુચર સિટી’ નામના નવા શહેરના નિર્માણનો નિર્ણય લીધો છે. વિકાસની વ્યૂહરચના હેઠળ રાજ્યને ત્રણ ઝોન (વિસ્તારો) માં વહેંચવામાં આવ્યું છે.
આઉટર રિંગ રોડના અંદરના વિસ્તારને ‘કોર અર્બન તેલંગાણા’, આઉટર રિંગ રોડ અને પ્રસ્તાવિત રીજનલ રિંગ રોડ વચ્ચેના વિસ્તારને ‘અર્બન તેલંગાણા’ તથા રીજનલ રિંગ રોડથી બહારના વિસ્તારોને ‘રૂરલ તેલંગાણા’ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં નવા એરપોર્ટ સ્થાપવામાં આવશે, જેમાં વારંગલ (મમનૂર), આદિલાબાદ, પેદ્દાપલ્લી (બસંતનગર)/રામાગુંડમ, કોથાગુડેમ સહિતના અન્ય વિસ્તારો સામેલ છે.
ખેડૂત કલ્યાણ અને કૃષિ પ્રોત્સાહન
પ્રશ્ન: તેલંગાણામાં હાલમાં કઈ-કઈ ખેડૂત પ્રોત્સાહક યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે? છેલ્લા અઢી વર્ષમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે?
ઉત્તર: ‘રાયથુ ભરોસા’ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને પ્રતિ એકર વાર્ષિક ₹12,000 ની કૃષિ રોકાણ સહાય આપવામાં આવી રહી છે. આમાં ખરીફ પાક માટે ₹6,000 અને રવિ પાક માટે ₹6,000 આપવામાં આવી રહ્યા છે. ખેડૂતોને દેવાના બોજમાંથી મુક્તિ અપાવવા માટે 12 ડિસેમ્બર 2018 થી 9 ડિસેમ્બર 2023 વચ્ચે લેવામાં આવેલી ₹2 લાખ સુધીની ટૂંકા ગાળાની પાક લોનની એકસાથે માફીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ઉપરાંત ખેડૂતો દ્વારા ઉત્પાદિત બારીક ડાંગર પર ₹500 પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવી રહ્યું છે.
કોઈ પણ ખેડૂતના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેના પરિવારને આર્થિક સુરક્ષા આપવા માટે ₹5 લાખનો મફત વીમો ચાલુ રાખવામાં આવ્યો છે, જેનું સંપૂર્ણ પ્રીમિયમ સરકાર ભોગવી રહી છે. ‘રાયથુ ભરોસા’ યોજના હેઠળ અત્યાર સુધીમાં ₹18,000 કરોડથી વધુ રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી ચૂકી છે. ચાલુ નાણાકીય વર્ષમાં 70 લાખ ખેડૂતો માટે અંદાજે ₹9,000 કરોડ તબક્કાવાર રીતે જાહેર કરવામાં આવી રહ્યા છે.
પાક લોન માફી યોજના હેઠળ સરકારે ત્રણ હપ્તામાં ₹18,000-20,000 કરોડ સુધીની રકમ બેંકોને જાહેર કરી છે. સરકારે બે વર્ષમાં કૃષિ કલ્યાણ યોજનાઓ પાછળ ₹1 લાખ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે. કૃષિ ક્ષેત્રમાં પરિવર્તન લાવવા અને તેલંગાણાને અનાજ ઉત્પાદનમાં અગ્રેસર બનાવવા માટે દર વર્ષે ₹24,000 કરોડથી વધુનું બજેટ કૃષિ વિભાગને આપવામાં આવી રહ્યું છે. ‘રાયથુ વીમા યોજના’ હેઠળ નાણાકીય વર્ષ 2025–26 માં 42 લાખથી વધુ ખેડૂતોને વીમા સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય ચૂંટણી પ્રચારનો અનુભવ
પ્રશ્ન: તમે બિહાર, કેરળ અને અન્ય રાજ્યોના વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. તમારો અનુભવ કેવો રહ્યો?
ઉત્તર: મેં કોંગ્રેસ હાઇકમાન્ડની સૂચના મુજબ સંબંધિત રાજ્યોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લીધો હતો. બિહારમાં મને ત્રણ વિધાનસભા મતવિસ્તારોના નિરીક્ષક બનાવવામાં આવ્યા હતા અને અમે તેમાંથી એક બેઠક પર વિજય મેળવ્યો હતો. કેરળમાં અમારા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સહિત અનેક મંત્રીઓ પ્રચારમાં જોડાયા હતા. મને આનંદ છે કે જે દસ મતવિસ્તારોમાં મેં અમારા નેતા રાહુલ ગાંધી સાથે પ્રચાર કર્યો હતો, ત્યાં જીત મળી હતી. અમને પહેલેથી જ વિશ્વાસ હતો કે કેરળમાં કોંગ્રેસને સફળતા મળશે. રાહુલ ગાંધીનો પ્રભાવ ત્યાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. વાયનાડથી જીત્યા બાદ તેમણે કોંગ્રેસને જનતાની વધુ નજીક પહોંચાડી છે.
2029 માટે તેલંગાણાનું રાજકીય ચિત્ર
પ્રશ્ન: તમે 2029 ની ચૂંટણીમાં તેલંગાણામાં કોંગ્રેસની શક્યતાઓને કેવી રીતે જુઓ છો?
ઉત્તર: રાજ્યની 119 વિધાનસભા બેઠકોમાંથી આ વખતે 100 થી વધુ બેઠકો પર જીતવાનો વિશ્વાસ છે. જનતા પૂરી રીતે અમારી સાથે છે. અમારું લક્ષ્ય માત્ર જનકલ્યાણ છે અને અમે કોઈ પણ ભ્રષ્ટાચાર વગર શાસન ચલાવી રહ્યા છીએ. આ જ અમારી સૌથી મોટી તાકાત છે.
પ્રશ્ન: તમને ફરીથી સત્તામાં વાપસીનો વિશ્વાસ કયા કારણોસર છે?
ઉત્તર: મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા લાગુ કરવામાં આવી રહેલા વિકાસ અને કલ્યાણકારી કાર્યક્રમો જ અમારી જીત સુનિશ્ચિત કરશે. સત્તામાં આવ્યા બાદ યોજાયેલી લોકસભા ચૂંટણી, બે વિધાનસભા પેટાચૂંટણી, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં જનતાએ અમને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. કોંગ્રેસે કેન્ટોનમેન્ટ અને જુબિલી હિલ્સ જેવા વિસ્તારોમાં પણ જીત મેળવી છે, જે પહેલા બીઆરએસ (BRS) પાસે હતા. ભવિષ્યમાં પણ આવા જ પરિણામોનું પુનરાવર્તન થશે. તેલંગાણામાં બીઆરએસ (BRS) નો અધ્યાય હવે સમાપ્ત થઈ ચૂક્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / ઇન્દ્રાણી સરકાર / જિતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ