
કચ્છ, 27 મે (હિ.સ.) : ગાંધીધામ તાલુકાના આદિપુર વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર અંકુશ લાવવા માટે આદિપુર પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. બોર્ડર રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આદિપુર પોલીસ સક્રિય બની હતી.
માહિતી મુજબ, આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે કેશરનગર વિસ્તારમાં એક વ્યક્તિ વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી બેઠો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે દરોડા દરમિયાન સાહીલ ધર્મેન્દ્રભાઈ મહેશ્વરી નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપી આદિપુરના બેવાડી લેબર કેમ્પ વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસે તેના કબજામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 એમએલની 11 બોટલો તેમજ 180 એમએલના કુલ 328 ક્વાર્ટર મળી કુલ 336 નંગનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 55,800 હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ મામલે આદિપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમગ્ર કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એમ. ડુવા સહિત આદિપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સફળ કામગીરી બાદ સ્થાનિક વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા તત્વોમાં પોલીસનો ખૌફ ફરી એકવાર જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar