



કચ્છ, 27 મે (હિ.સ.) : ભુજમાં કાળઝાળ ગરમી વચ્ચે માનવતાની સુગંધ ફેલાવતી એક અનોખી સેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા શહેરના જુબેલી ગ્રાઉન્ડ ખાતે પર્યાવરણમૈત્રી “નિઃશુલ્ક મેગા છાસ વિતરણ” કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
ઉનાળાની અસહ્ય ગરમીમાં તાપમાન સતત ઊંચું જઈ રહ્યું છે અને સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. એવા સમયમાં અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા માનવસેવાના ભાવ સાથે હાથ ધરાયેલ આ પહેલે લોકોમાં પ્રસંશા મેળવી હતી. સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન રાહદારીઓ, મજૂરો, રિક્ષાચાલકો, બસ ડ્રાઈવરો તેમજ શહેરમાં અવરજવર કરતા અનેક લોકોને ઠંડકભર્યું છાસ પીવડાવવામાં આવ્યું હતું. એક જ દિવસમાં આશરે ૭૫૦થી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો.
આ આયોજનની વિશેષતા એ રહી કે સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણપણે પર્યાવરણને અનુકૂળ રીતે સંચાલિત કરવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક પ્રદૂષણને અટકાવવા માટે કોઈપણ પ્રકારના ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. સંસ્થાએ “પ્રકૃતિ બચાવો – પર્યાવરણ બચાવો” અને “જીવોની જતના” જેવા સંદેશોને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. માનવ સેવા સાથે પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ લોકોને આપવામાં આવ્યો હતો.
અર્હમ યુવા સેવા ગ્રુપ છેલ્લા ઘણા વર્ષોથી દેશભરમાં જીવદયા અને માનવતાના વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન અનેક શહેરોમાં નિઃશુલ્ક છાસ વિતરણ દ્વારા હજારો લોકોને રાહત પહોંચાડવાનો સેવાયજ્ઞ સતત આગળ વધી રહ્યો છે. ભુજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ગ્રુપના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અને સેવા ભાવના સાથે સમગ્ર આયોજન સફળ બનાવ્યું હતું.
માનવતાની સાથે પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ પૂરું પાડતી આ પહેલ શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. ગરમીથી ત્રસ્ત લોકોને ઠંડક અને તાજગી આપતી આ સેવા પ્રવૃત્તિએ સમાજમાં સહકાર, કરુણા અને સંવેદનાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar