
પાટણ, 27 મે (હિ.સ.)હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM)ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 15 ટકા એડહોક ફી વધારાને મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લા 25 વર્ષથી ફી વધારો ન મળતા કોલેજોએ વધુ વધારો માંગ્યો હતો, પરંતુ ફી નિર્ધારણ કમિટીની ભલામણ મુજબ 2001 પછી પ્રથમવાર 15 ટકા વધારો મંજૂર કરાયો.
જીકાસ (GCAS) પ્રવેશ પ્રક્રિયા અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો હતો. સૈદ્ધાંતિક મંજૂરી વગરની 111 કોલેજોને અગાઉ પ્રવેશ પ્રક્રિયામાંથી દૂર રાખવામાં આવી હતી, પરંતુ સરકારના સૂચન બાદ ફરી પોર્ટલ પર સામેલ કરવાની મંજૂરી અપાઈ. જોકે, 10 કોલેજો જરૂરી માહિતી ન આપતા પ્રવેશથી બહાર રહેશે અને 17 કોલેજો સામે કાર્યવાહી માટે ઇન્કવાયરી રિપોર્ટ સ્વીકારાયો.
યુનિવર્સિટીમાં લાંબા સમયથી અટકેલા પ્રમોશન કેસોમાં પણ નિર્ણય લેવાયો હતો. કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ (CAS) હેઠળ લેવાયેલા ઇન્ટરવ્યૂ બાદ 10 પ્રોફેસરોના પ્રમોશનને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત, 11 કરાર આધારિત નોન-ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયાને પણ લીલીઝંડી અપાઈ.
બેઠકમાં વડાલી સબ સેન્ટર ખાતે નવા શૈક્ષણિક સત્રથી એમએસસી આઈટી કોર્સ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સાથે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શરૂ થનારા પબ્લિક હેલ્થના પીજી કોર્સને પણ મંજૂરી અપાઈ હતી. બેઠકમાં કુલસચિવ ડો. રોહિત દેસાઈ સહિત BOMના સભ્યો હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ