
ચેન્નાઈ, નવી દિલ્હી, 27 મે (હિ.સ.). તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત દિલ્હી જઈ રહેલા મુખ્યમંત્રી વિજયની, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થવાની સંભાવના છે. વિજયે 10 મેના રોજ શપથ લીધા હતા. એવું જણાવવામાં આવ્યું છે કે, તેઓ સવારે 10 વાગ્યે ચેન્નાઈ એરપોર્ટથી વિશેષ વિમાન દ્વારા દિલ્હી રવાના થશે. વિજયના દિલ્હી પ્રવાસની તૈયારીઓ પર ગૃહ સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓ દેખરેખ રાખી રહ્યા છે.
તમિલનાડુના મુખ્ય સચિવ અને ગૃહ સચિવ દિલ્હીમાં પડાવ નાખીને બેઠા છે. મંત્રી આદવ અર્જુના પણ ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હોવાની માહિતી મળી છે. વિજયની સાંજે આશરે 4:30 વાગ્યે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત થઈ શકે છે. વડાપ્રધાન સાથે તેમની આ પ્રથમ બેઠક હશે. તેઓ વિવિધ પ્રોજેક્ટ્સ માટે નાણાકીય ફાળવણી, વિકાસ યોજનાઓ માટે જરૂરી મંજૂરી, મેકેદાતુ ડેમનો મુદ્દો તેમજ 'પીએમ-શ્રી' યોજના વગેરે પર ચર્ચા કરી શકે છે.
મુખ્યમંત્રી વિજયની આ પછી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને પણ મળવાની યોજના છે. બીજા દિવસે ગુરુવારે તેમનો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળવાનો કાર્યક્રમ છે. તેઓ ડાબેરી નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે. ગુરુવારે જ તેમણે ચેન્નાઈ પરત ફરવાનું છે.
મુખ્યમંત્રી વિજય આજે દિલ્હી સ્થિત તમિલનાડુ ભવનની પણ પ્રથમ વખત મુલાકાત લેશે. આ પછી તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી જઈ શકે છે. એવું જણાવવામાં આવ્યું છે કે તેઓ ત્યાં તિરુવલ્લુવરની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે.
હિન્દુસ્થાન સમાચાર / ડૉ. વારા પ્રસાદ રાવ પીવી / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ