
ભાવનગર, 27 મે (હિ.સ.)આજના સમયમાં યુવકો અભ્યાસની સાથે સાથે કે પછી નોકરી કે અન્ય વ્યવસાયની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે.ગામડાંથી લઈને શહેરો સુધીના યુવકો હવે વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે અને જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષા, રાષ્ટ્રીય કક્ષા તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળતા મેળવી રહ્યા છે.કબડ્ડી, એથ્લેટિક્સ, વોલીબોલ, કુસ્તી, તીરંદાજી, બેડમિન્ટન જેવી અનેક રમતોમાં યુવાઓ પોતાની મહેનત અને લગનથી મેડલો જીતી રહ્યા છે.અનેક ખેલાડીઓએ રાજ્ય અને દેશ માટે મેડલો જીત્યા છે. કેટલાક યુવકો એવા પણ છે જેઓ પાસે પૂરતી સુવિધા ન હોવા છતાં અનેક સફળતાઓ મેળવી રહ્યા છે.
ભાવનગર જિલ્લાના કોળીયાક ગામના રહેવાસી ડાભી મુકેશભાઈ નાનજીભાઈ, આજે રમતગમત ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી યુવાઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.અત્યાર સુધીમાં તેઓ અલગ અલગ સ્પર્ધાઓમાં સાત જેટલા મેડલો જીતી ચૂક્યા છે અને રાજ્ય સાથે દેશનું નામ પણ રોશન કર્યું છે.મુકેશભાઈના પિતા નાનજીભાઈ ડાભી ફૂટવેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળપણથી જ મુકેશભાઈને રમતગમત પ્રત્યે વિશેષ રસ હતો. અભ્યાસની સાથે સાથે તેઓ વિવિધ રમતોમાં ભાગ લેતા અને સતત મહેનત કરતા રહ્યા હતા.
ખાસ કરીને વુડબોલ રમતમાં તેમણે પોતાની અનોખી પ્રતિભા દર્શાવી હતી. શરૂઆતના દિવસોમાં તેમની પાસે પ્રેક્ટિસ માટે યોગ્ય મેદાન પણ ઉપલબ્ધ નહોતું.જેના કારણે તેઓ ખુલ્લા ખેતરોમાં કલાકો સુધી પ્રેક્ટિસ કરતા હતા.આજે મુકેશભાઈ ભાવનગર ખાતે નિયમિત રીતે દિવસના છ કલાકથી વધુ સમય મેદાનમાં પ્રેક્ટિસ કરે છે. રમત પ્રત્યેનો તેમનો સમર્પણ એટલો છે કે તેમણે પોતાની ફિટનેસ જાળવવા માટે ફાસ્ટ ફૂડનું સેવન પણ સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. નિયમિત કસરત, શિસ્તબદ્ધ જીવનશૈલી અને સખત મહેનતના કારણે તેઓ સતત સફળતા મેળવી રહ્યા છે.
મુકેશભાઈ હાલ પી.એચ.સી. સેન્ટર વાળુકડ ખાતે MPHW તરીકે ફરજ બજાવી રહ્યા છે. નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ રમત માટે પૂરતો સમય ફાળવે છે.તાજેતરમાં 20મી સિનિયર અને 14મી જુનિયર નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ ખાતે યોજાયેલી સ્પર્ધામાં મુકેશભાઈએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે વુડબોલ ફેવર ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ તેમજ વુડબોલ ડબલ્સ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભાવનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA