
અમદાવાદ,27 મે (હિ.સ.) આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી,અમદાવાદ સહિત ચાર શહેરોમાં ગરમીનો પારો 43 પાર પહોંચી શકે છે. ગુજરાતમાં આકરી ગરમી હાલ લોકોને તોબા પોકારાવી રહી છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે.
હવામાન વિભાગના મતે આગામી 3 દિવસ ગરમીમાં કોઈ રાહતની સંભાવના નથી.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણભર્યું વાતાવરણ અનુભવાઈ શકે છે. 30મીથી રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની શક્યતા હોય તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. 30 થી 1 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના મતે આજે રાજકોટમાં ગરમીનો પારો 44°C પહોંચે તેવી શક્યતા છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાનું અનુમાન છે.
સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા હોટ એન્ડ હ્રુમીડ કંડીશનની આગાહી કરી છે. જેના કારણે 28મી તારીખ સુધી બફારાના કારણે અકળામણ અનુભવાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ