
નવસારી, 27 મે (હિ.સ.) : નવસારીના ધારાગીરી વિસ્તારમાં આવેલી પૂર્ણા નદીમાં બપોરના સમયે એક યુવાને અજાણ્યા કારણોસર નદીમાં ઝંપલાવ્યું હતું. નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાથી યુવાન બ્રિજના પિલ્લર પાસે અટકી ગયો હતો. ઘટનાની જાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
પોલીસે તરત જ નવસારી ફાયર બ્રિગેડને જાણ કરતા નંદુભાઈ ટંડેલ સહિત પાંચ જેટલા તરવૈયાઓની ટીમ સ્થળ પર દોડી આવી હતી. બચાવ કામગીરી હાથ ધરી યુવાનને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસ દરમિયાન યુવાન પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હોવાની ચર્ચા છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. યોગ્ય કાઉન્સેલિંગ બાદ યુવાનને પરિવારજનોને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે